નવી દિલ્હીઃઇન્ટરનેશનલ હોકી ફેડરેશને શુક્રવારે જાહેરાત કરતા કહ્યું કે, 2023ના પુરુષ હોકી વર્લ્ડકપ ભારતમાં આયોજીત કરવામાં આવશે. તે સિવાય સ્પેન અને નેધરલેન્ડ્સને 2022માં યોજાનારા મહિલા  હોકી વર્લ્ડકપની યજમાની મળી છે. નોંધનીય છે કે વર્ષ 2023માં યોજાનારા પુરુષ હોકી વર્લ્ડકપ 13 જાન્યુઆરીથી 29 જાન્યુઆરી વચ્ચે આયોજીત કરવામાં આવશે. જ્યારે મહિલા વર્લ્ડકપ માટે 1 જૂલાઇ 2022થી 17 જૂલાઇ 2022ની તારીખ નક્કી કરાઇ છે. આ વર્લ્ડકપના સ્થળો અંગેની જાણકારી સંબંધિત દેશ દ્ધારા બાદમાં આપવામાં આવશે.

નોંધનીય છે કે એફઆઇએચએ આ પ્રતિષ્ઠિત આયોજનોને હોસ્ટ કરવા માટે સારી હરાજી હાંસલ કરી છે. તેણે કહ્યું કે, અહી કોઇ દેશની પસંદગી કરવી મુશ્કેલ નિર્ણય હતો. અમારું મિશન દુનિયાભરમાં રમતને પ્રોત્સાહન આપવાનું છે એટલા માટે નિશ્વિક રીતે અમારે રોકાણ કરવાની જરૂરિયાત છે. તે સિવાય કાર્યકારી બોર્ડે બંન્ને વર્લ્ડકપ માટે ક્વોલિફિકેશન પ્રોસેસને પણ મંજૂરી આપી છે.

ભારતમાં વર્ષ 1971 બાદથી આ ચોથી તક છે જ્યારે હોકી વર્લ્ડકપની યજમાની મળી છે. ભારત સહિત ત્રણ દેશોને 2022-23 હોકી વર્લ્ડકપની યજમાની માટે પોતાની દાવેદારી રજૂ કરી હતી. એફઆઇએચ ટાસ્ક ફોર્સના તમામ દાવેદારોની સમીક્ષા બાદ કાર્યકારી બોર્ડને પોતાની ભલામણ સોંપી હતી. ત્યારબાદ વૈશ્વિક સંસ્થાએ 2023 વર્લ્ડકપની યજમાની ભારતને સોંપી હતી. ભારત માટે સ્થાનિક મેદાન પર વર્લ્ડ ચેમ્પિયન બનવાની સારી તક છે. ભારત છેલ્લે 1975માં હોકી વર્લ્ડકપમાં ચેમ્પિયન બન્યું હતું.