નવી દિલ્હીઃ વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસને લઈ રવિવારે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં વન ડે અને ટી 20 શ્રેણીમાં જસપ્રીત બુમરાહને આરામ આપવામાં આવ્યો છે. જ્યારે ટી20, વન ડે અને ટેસ્ટ શ્રેણીમાં હાર્દિક પંડ્યાને આરામ આપવામાં આવ્યો છે. વિન્ડિઝ પ્રવાસમાં ટીમમાં કેટલાક યુવા ખેલાડીઓને તક મળે તેમ લાગતું હતું. પરંતુ તેના બદલે નવદીપ સૈની, રાહુલ ચહર, દિપક ચહર, ખલીલ અહેમદ, રિષભ પંત જેવા ખેલાડીઓ પર પસંદગી ઉતારવામાં આવી છે, જ્યારે ઘરેલુ ક્રિકેટ અને ઈન્ડિયા-એ તરફથી શાનદાર દેખાવ કરતાં કેટલાક યુવા ખેલાડીઓની પસંદગી કરવામાં આવી નથી.



કેએસ ભરત: જ્યાં એક તરફ એમએસ ધોનીની નિવૃત્તિની વાત ચાલી રહી છે, તો બીજી તરફ રિષભ પંત હજી ધીમી ગતિએ પોતાની વિકેટકીપિંગ સુધારી રહ્યો છે. તેવામાં જો ઇન્ડિયા-A માટેનું પ્રદર્શન સીનિયર ટીમમાં સ્થાનની ગેરેંટી આપતું હોય તો કેએસ ભરતની સિલેક્ટ થવાની તક ઉજળી છે. તેણે ઇન્ડિયા-A માટે છેલ્લી 11 મેચમાં 3 સદી અને 2 અર્ધસદી સહિત 686 રન કર્યા છે. તે ઉપરાંત 41 કેચ અને 6 સ્ટમ્પ કર્યા છે. તેણે ઓસ્ટ્રેલિયા-A, ઇંગ્લેન્ડ લાયન્સ અને શ્રીલંકા-A સામે સદી ફટકારી હતી.



પ્રિયાંક પંચાલઃ પોતાની સોલિડ ટેક્નિક માટે જાણીતા પ્રિયાંકે છેલ્લા 4 વર્ષથી રણજીમાં સારો દેખાવ જાળવી રાખ્યો છે. ગઈ રણજી સીઝનમાં તેણે 898 રન કર્યા હતા અને રાજ્ય માટે સર્વાધિક રન સ્કોરર હતો. તે ઉપરાંત મે મહિના તેણે શ્રીલંકા-A 160 રનની કેપ્ટન ઇનિંગ્સ પણ રમી હતી. 2016/17ની સીઝનમાં પ્રિયાંકે 17 ઇનિંગ્સમાં 1310 રન કર્યા હતા અને પહેલી વાર નેશનલ લેવલે લાઇમલાઈટમાં આવ્યો હતો. પરંતુ તેની અવગણના કરવામાં આવી છે.



શુભમન ગિલઃ સતત શાનદાર દેખાવ કરતો શુભમન ગિલ પણ ટીમમાં સ્થાન મેળવવાનો દાવેદાર હતો. તેણે ઈન્ડિયા એ તરફથી રમતાં 38 મેચમાં 45.44ની સરેરાશથી 1545 રન બનાવ્યા છે. ચાલુ વર્ષે આઈપીએલમાં તે ઈમર્જિંગ પ્લેયર ઓફ ધ યર પણ જાહેર થયો હતો.