નવી દિલ્હીઃ ઓગસ્ટમાં શરૂ થવા જઈ રહેલ ભારત વિરૂદ્ધ વેસ્ટ ઇન્ડિઝ સીરીઝ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત રવિવારે થઈ. આ સીરીઝમાં ધોનીની જગ્યાએ પંતને વિકેટકિપિંગની જવાબદાર સોંપવામાં આવી છે. ઉપરાંત ટીમમાં અનેક યુવા અને નવા ચહેરાઓને તક આપવામાં આવી છે. વેસ્ટ ઇન્ડિઝ વિરૂદ્ધ ત્રણ ટી20 માટે પ્રથમ વખત ચહર ભાઈઓની પસંદગી કરવામાં આવી છે. જોકે દીપક જહર અફઘાનિસ્તાન વિરૂદ્ધ ભારતીય ટીમમાં ડેબ્યૂ કરી ચૂક્યા છે પરંતુ લેગ સ્પિનર રાહુલ ચહરની પ્રથમ વખત ભારતીય ટીમમાં પસંદગી થઈ છે.


રાહુલની ટીમમાં પ્રથમ વખત પસંદગી થતા તેના પિતા દેશ રાજે કહ્યું કે, બે દીકરાનું રાષ્ટ્રીય ટીમમાં સિલેક્શન થવું તેમના માટે ખુશીની વાત છે. તેમણે કહ્યું કે, દરેક બાળક જે બોલ કે બેટ પકડે છે તે ભારત માટે રમવા ઈચ્છે છે. પરંતુ અમારા બે દીકરા રાષ્ટ્રીય ટીમમાં છે. તેનાથી વધારે સારું શું હોઈ શકે? રાહુલને જેવી તેના સિલેક્શનની જાણ થઈ તેણે મને બોલાવ્યો. વેસ્ટ ઈન્ડીઝમાં હજુ પણ રાત હતી. તેણે કહ્યું કે તે આખી રાત ઊંઘી નહોતો શક્યો કારણ કે તે ટીમની જાહેરાત થાય તેની રાહ જોઈ રહ્યો હતો.



રાજે કહ્યું, બાકી ટીમ સાથે તેણે પણ ટ્રાયલ્સ આપ્યું હતું પરંતુ તે બહાર થઈ ગયો હતો. જોકે મુંબઈ ઈન્ડિયન્સમાં તેનું ટ્રાયલ ચાલું હતું અને આ તેના માટે મહત્વપૂર્ણ હતું. હું તેને મજબૂર કરવા નહોતો ઈચ્છતો પરંતુ તેણે પોતાની પ્રતિભાથી સૌને આશ્ચર્યચકિત કરી દીધા અને મુંબઈ ઈન્ડિયન્સ માટે સિલેક્શન થયું.

દીપક ચહર આઈપીએલમાં મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશીપમાં ચેન્નૈ સુપર કિંગ્સ માટે રમે છે. દેશ રાજે કહ્યું કે ધોનીએ 2017માં રાઈઝિંગ પુણે સુપરજાયન્ટ્સ સમયે રાહુલની ઘણી મદદ કરી હતી.