નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેલબોર્નમાં રમાયેલી બીજી ટ્વેન્ટી-ટ્વેન્ટી મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી છે. આ સાથે ભારતની સતત સાતમી ટી-20 સીરિઝ જીત્યા બાદ અજેય રહેવાની દોડ ખત્મ થઇ ગઇ છે. કારણ કે ત્રણ મેચની ટી-20 સીરિઝમાં ટીમ ઇન્ડિયા હવે ટાઇ જ કરી શકે છે પરંતુ સીરિઝ જીતી શકતું નથી. સીરિઝની અંતિમ મેચ 25 નવેમ્બરના રોજ સિડનીમાં રમાશે.

આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાની ટીમે 19 ઓવરમાં સાત વિકેટ ગુમાવી 132 રન બનાવ્યા હતા. વરસાદના કારણે અંતિમ ઓવરની રમત રમાઇ શકી નહોતી. ત્યારબાદ ભારતને ડકવથ લૂઇસના નિયમ પ્રમાણે, 19 ઓવરમાં 137 રનનો ટાર્ગેટ મળ્યો હતો. મેચ ફરીથી શરૂ થાય તે અગાઉ ફરીથી વરસાદ શરૂ થયો.  જેને કારણે ભારતને 11 ઓવરમાં 90 રનનો ટાર્ગેટ મળ્યો હતો. તે જોતા લાગી રહ્યું હતું કે ટીમ ઇન્ડિયા આ મેચ જીતીને સીરિઝ 1-1 પર બરાબરી પર લાવી દેશે. વરસાદે ફરીવાર ભારતની આશાઓ પર પાણી ફેરવી દીધું હતું. આખરે અમ્પાયરોએ મેચને રદ કરી દીધી હતી.

ટીમ ઇન્ડિયાએ પહેલા કેપ્ટન ફિન્ચને શૂન્ય રને આઉટ કર્યો, ત્યારબાદ લીન (13) અને ડાર્સી (14) સ્ટોઇનિસ (4) અને મેક્સવેલ (19) ને પણ પેવેલિયન ભેગા કરી દીધા હતા. ભુવનેશ્વર, બુમરાહ, કૃણાલ પંડ્યાએ એક-એક જ્યારે ખલીલે બે વિકેટ ઝડપી હતી. ભારતીય કેપ્ટન કોહલીએ ટૉસ જીતીને પહેલા બૉલિંગ કરવાનો નિર્ણય લીધો છે અને ઓસ્ટ્રેલિયાની ટીમને પહેલા બેટિંગ માટે આમંત્રણ આપ્યુ હતું.ભારતીય ટીમની પ્લેઇંગ ઇલેવનમાં કોઇ ફેરફારો કરવામાં આવ્યા નથી, વળી ઓસ્ટ્રેલિયાની ટીમમાં ફેરફાર થયો છે. ઇજાગ્રસ્ત બિલી સ્ટાનલેકની જગ્યાએ નાથન કુલ્ટર નાઇલને ટીમમાં સમાવવામાં આવ્યો છે.