રાંચીઃ આજે ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે રાંચીના જેએસસીએ સ્ટેડિયમમાં વનડે સીરીઝની ત્રીજી મેચ રમાશે. અટકળો છે કે મહેન્દ્ર સિં ધોનીના ઘર રાંચીમાં આ તેમની અંતિમ વનડે આંતરરાષ્ટ્રીય મેચ હોઈ શકે છે, એવામાં ભારત પોતાનો દબદબો જાળવી રાખવા માત્ર ટીમ ઇન્ડિયા ધોનીને ગિફ્ટ આપવા સાથે સાથે ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ સીરીઝમાં 3-0થી લીડ મેળવવાનો પ્રયત્ન કરશે.



ભારતીય ટીમ આ મેચ જીતે તો સતત ચોથી દ્વિપક્ષીય સિરીઝ જીતશે. બીજી તરફ ઓસ્ટ્રેલિયા માટે આ મુકાબલો કરો યા મરો સમાન બની ગયો છે. ઓસ્ટ્રેલિયાને સિરીઝમાં ટકી રહેવા માટે આ મેચ જીતવી જરૂરી બની ગઈ છે. પ્રથમ મેચમાં ભારતે છ વિકેટે અને બીજી મેચમાં ભારતે આઠ રને જીત મેળવી હતી. બંને મેચમાં ભારતીય બોલિંગ ઘણી સારી રહી જોકે બેટિંગમાં ટોપ ઓર્ડર ચિંતાનો વિષય છે કારણ કે, શિખર ધવનના ખરાબ ફોર્મને કારણે ભારતની શરૂઆત પર અસર પડી રહી છે. ધવન છેલ્લી ૧૫ વન-ડે મેચમાં માત્ર બે અર્ધી સદી ફટકારી શક્યો છે.



કોહલી ફોર્મમાં છે જ્યારે રોહિત પણ પ્રથમ મેચમાં રંગમાં જોવા મળ્યો હતો પરંતુ બીજી મેચમાં ખાતું પણ ખોલાવી શક્યો નહોતો. ધોની અને કેદાર જાધવે પ્રથમ મેચમાં જીત અપાવી હતી પરંતુ બીજી મેચમાં ફ્લોપ ગયા હતા. અંબાતી રાયડુ સાતત્યપૂર્ણ દેખાવ કરવામાં નિષ્ફળ રહ્યો છે. જો ધવનને ટીમમાં જાળવી રખાય તો રાહુલને રાયડુના સ્થાને ટીમમાં સામેલ કરી શકાય છે. રાહુલ જો ત્રીજા સ્થાને બેટિંગમાં ઊતરે તો કોહલી ચોથા ક્રમે બેટિંગમાં ઊતરી શકે છે.