INDvAUS: ડેબ્યૂ ઈનિંગમાં જ મયંક અગ્રવાલે બનાવ્યા આ ખાસ રેકોર્ડ, જાણો વિગતે
આ ઉપરાંત મયંક ડેબ્યૂ ટેસ્ટ ઈનિંગમાં સૌથી વધારે રન બનાવનાર ભારતનો ચોથા નંબરનો બેટ્સમેન બની ગયો છે. 2013માં ઓસ્ટ્રેલિયા સામે ડેબ્યૂ ટેસ્ટ ઈનિંગમાં શિખર ધવને 187 રન ફટકાર્યા હતા. જે રેકોર્ડ આજ દિન સુધી કોઈ તોડી શક્યું નથી. ચાલુ વર્ષે પૃથ્વી શૉએ વેસ્ટ ઈન્ડિઝ સામે 134 રનની ડેબ્યૂ ઇનિંગ રમી હતી. પૃથ્વી લિસ્ટમાં બીજા નંબરે છે. ત્રીજા નંબરે રહેલા કેસી ઇબ્રાહિમે 1984માં વેસ્ટ ઇન્ડિઝ સામે 85 રનની ઇનિંગ રમી હતી.
વિદેશમાં ટેસ્ટ ડેબ્યૂ વખતે સર્વાધિક સ્કોર બનાવવાનો રેકોર્ડ સુધીર નાઇકના નામે છે. તેમણે 1974માં ઈંગ્લેન્ડમાં ઓપનિંગ કરતી વખતે 77 રનની ઈનિંગ રમી હતી. અગ્રવાલે 76 રનની ઈનિંગ રમીને ભારતના સર્વકાલિન શ્રેષ્ઠ ઓપનર સુનીલ ગાવસ્કરને પાછળ ધકેલી દીધા છે. ગાવસ્કરે 1971માં ટેસ્ટ ડેબ્યૂ કરીને 67 રનની ઇનિંગ રમી હતી.
મેલબોર્નઃ ત્રીજી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાએ ટોસ જીતી પ્રથમ બેટિંગ કરી હતી. દિવસના અંતે ભારતનો સ્કોર 2 વિકેટના નુકસાન પર 215 રન છે. ભારત તરફથી આ મેચમાં મયંક અગ્રવાલે ડેબ્યૂ કર્યું હતું. મયંક ભારતનો 295મો ટેસ્ટ ક્રિકેટર છે. કર્ણાટકના આ બેટ્સમેને મેલબોર્નમાં બોક્સિંગ-ડે ટેસ્ટના પહેલા દિવસે જ બે રેકોર્ડ બનાવ્યા હતા. મયંક ઓસ્ટ્રેલિયાના ગ્રાઉન્ડ પર ટેસ્ટ મેચમાં સૌથી વધારે રન બનાવનાર ભારતીય ખેલાડી બની ગયો છે. 72 વર્ષના ઈતિહાસમાં આ કારનામું કરનાર મયંક એકમાત્ર ભારતીય બેટ્સમેન છે.
મયંક અગ્રવાલે ઐતિહાસિક મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં કરિયરની પ્રથમ ઈનિંગમાં જ 76 રન બનાવ્યા હતા. 161 બોલની ઈનિંગમાં મયંકે 6 ફોર અને એક સિક્સ ફટકારી હતી. આ સાથે જ તે ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ ડેબ્યૂમાં સૌથી વધારે રન બનાવનાર પ્રથમ ભારતીય બેટ્સમેન બની ગયો છે. પહેલા આ રેકોર્ડ દક્કી ફડકરના નામે હતો. તેમણે 1947માં 51 રનની ઈનિંગ રમી હતી. હ્રિષિકેષ કાનિટકરે 1999માં મેલબોર્નમાં 45 રનની ઈનિંગ રમી હતી.