નવી દિલ્હીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પર્થમાં રમાય રહેલી બીજી ટેસ્ટમાં પ્રથમ દિવસના અંતે ઓસ્ટ્રેલિયાએ 6 વિકેટ ગુમાવી 277 રન બનાવી લીધા છે. પેન 16 અને કમિન્સ 11 રને રમતમાં છે. ઓસ્ટ્રેલિયા તરફથી હેરિસે સૌથી વધારે 70 રન બનાવ્યા હતા. આ સિવાય હેડે 58 અને ફિન્ચે 50 રન બનાવ્યા હતા. ભારત તરફથી વિહારી અને ઇશાંત શર્માએ 2-2 વિકેટ ઝડપી હતી.જ્યારે બુમરાહ અને ઉમેશ યાદવને 1-1 વિકેટ મળી હતી.
ઓસ્ટ્રેલિયા તરફથી સૌથી પહેલા એરોન ફિન્ચ 50 રન રને બૂમરાહના બૉલ પર એલબીડબલ્યૂ આઉટ થયો હતો, બાદમાં ઉસ્માન ખ્વાઝાને ઉમેશ યાદવે 5 રનના અંગત સ્કૉર પેવેલિયન ભેગો કરી દીધો હતો. ઓપનિંગથી ધૈર્યપૂર્ણ બેટિંગ કરી રહેલા માર્ક્સ હેરિસને હનુમા વિહારીએ 70 રનને સ્કૉરે આઉટ કર્યો હતો. ઇશાન્ત શર્માએ ટીમ ઇન્ડિયાને ચોથી વિકેટ અપાવતા પીટર હેન્ડસ્કૉમ્બને 7 રને આઉટ કર્યો હતો.
પર્થના મેદાન પર ઓસ્ટ્રેલિયન કેપ્ટન ટીમ પેને ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે, જ્યારે ભારતેને બૉલિંગ કરવા આમત્રણ આપ્યુ હતું. ઉલ્લેખનીય છે કે, ભારત એડિલેડ ટેસ્ટમાં મેળવેલી જીત બાદ ચાર ટેસ્ટ મેચોની સીરીઝમાં 1-0થી આગળ છે.
આજની બીજી ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમમાં બે ફેરફારો કરવામાં આવ્યા છે. ઇજાગ્રસ્ત રવિચન્દ્રન અશ્વિનની જગ્યાએ ઉમેશ યાદવ અને રોહિત શર્માની જગ્યાએ હનુમા વિહારીને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
ભારતીય ટીમ પર્થની નવા ઓપ્ટસ સ્ટેડિયમમાં ફાસ્ટ અને બાઉન્સી પીચ પર પોતાના જીતને બરકરાર રાખવા કોશિશ કરશે.
ભારતીય ટીમઃ કેએલ રાહુલ, મુરલી વિજય, વિરાટ કોહલી (કેપ્ટન), ચેતેશ્વર પુજારા, અજિંક્યે રહાણે, હનુમા વિહારી, રીષભ પંત (વિકેટકીપર), ઇશાંત શર્મા, ઉમેશ યાદવ, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ.