બેંગલુરુઃ ભારત અને  ઓસ્ટ્રેલિયા વચ્ચે રવિવારે બેંગલુરુમાં ત્રીજી અને અંતિમ વન ડે રમાશે. બંને ટીમો 1-1ની બરાબરી પર છે. રાજકોટમાં રમાયેલી બીજી વન ડેમાં ભારતીય ટીમનો 36 રનથી વિજય થયો હતો. રોહિત શર્મા અને શિખર ધવનની ઓપનિંગ જોડીએ પ્રથમ વિકેટ માટે 81 રનની ભાગીદારી કરી હતી. ધવને 96 રનની અને રોહિત શર્માએ 42 રનની ઈનિંગ રમી હતી. બેટિંગ દરમિયાન શિખર ધવન અને ફિલ્ડિંગ વખતે રોહિત શર્મા ઈજાગ્રસ્ત થયો હતો.

ધવનને ભારતીય ઈનિંગની 9.2 ઓવર વખતે પેટ કમિન્સનો બોલ સીધો જ પાંસળી પર આવીને વાગ્યો હતો. જે બાદ તે દર્દથી પીડાતો જોવા મળ્યો હતો. ઈજા થયા બાજ તે મેદાન પર સૂઈ ગયો હતો અને ફિઝિયોએ આવીને સારવાર કર્યા બાદ શાનદાર બેટિંગ કરતીં 96 રનની ઈનિંગ રમી હતી. જે બાદ તે ફિલ્ડિંગમાં પણ આયો હતો.

રોહિત શર્મા ફિલ્ડિંગ કરતી વખતે 42.2 ઓવરમાં બાઉન્ડ્રી પર બોલ રોકવાની કોશિશમાં સંતુલન ગુમાવી બેઠો હતો અને પડ્યો હતો. જે બાદ મેદાનથી બહાર જતો રહ્યો હતો. જોકે તેની ઈજા ખાસ ગંભીર નહોતી, કારણકે તે બાઉન્ડ્રી બહાર બેઠેલો જોવા મળ્યો હતો.

મેચ બાદ ટીમ મેનેજમેન્ટે કહ્યું કે, ધવનની ઈજા ગંભીર નથી. તેને પહેલા કરતા રાહત છે. ત્રીજી મેચમાં રમવાની આશા છે. રોહિતના જમણા ખભામાં થોડીવાર માટે સમસ્યા થઈ હતી. હાલ તે ફિટ છે. આશા છે કે રોહિત અને ધવન આગામી મેચમાં પૂરી રીતે ફિટ થઈને મેદાનમાં ઉતરશે.