INDvAUS: ટીમ ઈન્ડિયાની જીતમાં ત્રણ ગુજરાતી સહિત આ રહ્યા જીતના હીરો, જાણો વિગત
મેલબોર્નઃ ભારતે રવિવારે મેલબોર્નમાં ત્રીજી ટેસ્ટ મેચના પાંચમા અને અંતિમ દિવસે ઓસ્ટ્રેલિયાને 137 રનથી હાર આપીને ચાર ટેસ્ટ મેચની ટેસ્ટ શ્રેણીમાં 2-1ની લીડ લઈ લીધી છે. ટીમ ઈન્ડિયાની ઐતિહાસિક જીતમાં આ ખેલાડીઓ જીતના હીરો રહ્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appચેતેશ્વર પૂજારાઃ સૌરાષ્ટ્રનો રન મશીન કહેવાતા ટેસ્ટ સ્પેશિયાલિસ્ટ બેટ્સમેન ચેતેશ્વર પૂજારાએ પ્રથમ ઈનિંગમાં 319 બોલમાં 106 રનની શાનદાર ઈનિંગ રમી હતી. તેણે પ્રથમ ઈનિંગમાં પહેલા ડેબ્યૂ મેન મયંક અગ્રવાલ અને બાદમાં કેપ્ટન કોહલી સાથે મળીને પાર્ટનરશિપ કરી હતી. જેના કારણે ભારતનો સ્કોર 400 રનને પાર થઈ શક્યો હતો.
મયંક અગ્રવાલઃ ટીમ ઈન્ડિયા માટે ઇંગ્લેન્ડ પ્રવાસ બાદ વર્તમાન ઓસ્ટ્રેલિયા પ્રવાસની પ્રથમ બે મેચમાં ઓપનરોનું ફોર્મ ચિંતાનો વિષય હતો. ભારત આ મેચમાં મયંક અગ્રવાલ અને હનુમા વિહારીની નવી ઓપનિંગ જોડી સાથે મેદાનમાં ઉતર્યુ હતું. બંનેએ ધીમી પણ મક્કમ શરૂઆત અપાવી હતી. વિહારી ખાસ ઉકાળી શક્યો નહોતો. પરંતુ મયંકે પ્રથમ ઈનિંગમાં 76 રનની આકર્ષક બેટિંગ કરી હતી. બીજી ઈનિંગમાં પણ તેણે 42 રનનું યોગદાન આપ્યું હતું. ટીમ ઈન્ડિયાની બીજી ઈનિંગમાં મયંક ટોપ સ્કોરર રહ્યો હતો.
વિરાટ કોહલીઃ વિરાટ કોહલી મેચની બીજી ઈનિંગમાં ભલે 0 રને આઉટ થયો હોય પરંતુ પ્રથમ ઈનિંગમાં તેણે 82 રનની મહત્વપૂર્ણ ઈનિંગ રમી હતી. જે દરમિયાન તે વિદેશમાં સૌથી વધારે રન બનાવનારો પ્રથમ ભારતીય ક્રિકેટર પણ બન્યો હતો.
રવિન્દ્ર જાડેજાઃ સૌરાષ્ટ્રના સ્પિન ઓલરાઉન્ડરને વિદેશ પ્રવાસમાં ટીમ ઈન્ડિયાની પ્લેઇંગ ઇલેવનમાં નિયમિત સ્થાન મળતું નથી. પરંતુ જ્યારે પણ સમાવેશ કરવામાં આવે છે ત્યારે ટીમ માટે શ્રેષ્ઠ દેખાવ કરે છે. પ્રથમ ઈનિંગમાં તેણે ઉસ્માન ખ્વાજા અને મિચેલ માર્શની વિકેટ લીધી હતી. બીજી ઈનિંગમાં ઓપનર હેરિસ, મિચેલ માર્શ અને ટિમ પેનની મળી મેચમાં કુલ 5 વિકેટ લીધી હતી. જાડેજા-બુમરાહે ઓસ્ટ્રેલિયાની 20માંથી કુલ 14 વિકેટ લીધી હતી.
જસપ્રીત બુમરાહઃ અમદાવાદી બોલર જસપ્રીત બુમરાહે પ્રથમ ઈનિંગમાં 33 રનમાં 6 વિકેટ લેવાના કારણે ઓસ્ટ્રેલિયાની ટીમ 151 રનમાં ઓલઆઉટ થઈ હતી. જેના કારણે ભારતને જંગી લીડ મળી હતી. બીજી ઈનિંગમાં પણ બુમરાહે 53 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. મેચમાં કુલ 9 વિકેટ ઝડપવા બદલ બુમરાહને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -