IND vs ENG:પ્રથમ દિવસના અંતે ઈંગ્લેન્ડનો સ્કોર 198 રનમાં 7 વિકેટ, ઈશાંત શર્માની 3 વિકેટ
abpasmita.in | 07 Sep 2018 03:33 PM (IST)
લંડનઃ ટીમ ઈન્ડિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચમ મેચની ટેસ્ટ સીરીઝનો પાંચમો અને અંતિમ મુકાબલો લંડનના ધ ઓવલ મેદાન પર રમાઈ રહ્યો છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી રહેલી ઈંગ્લેન્ડની ટીમે 90 ઓવરમાં 7 વિકેટે 198 રન જ બનાવી શક્યું હતું. ઇંગ્લેન્ડ તરફથી કારકિર્દીની અંતિમ ટેસ્ટ રમી રહેલા એલિસ્ટર કૂકે સૌથી વધારે 70 રન બનાવ્યા હતા. મોઈન અલીએ 50 રનની ઇનિંગ્સ રમી હતી. દિવસના અંતે બટલર 11 અને રાશિદ 4 રને રમતમાં છે. જેનિગ્સ 23 રને આઉટ થયો હતો. બેન સ્ટોક્સ 11 અને મોઈન અલી 50 રને આઉટ થયા હતા. જો રૂટ અને બેરિસ્ટો ખાતુ ખોલાવ્યા વગર આઉટ થયા હતા. ભારત તરફથી ઈશાંત શર્માએ 3 વિકેટ ઝડપી છે. ટીમ ઇન્ડિયાએ પ્લેઇંગ ઇલેવનમાં બે ફેરફાર કર્યા છે. ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને અશ્વિનને પડતા મુકાયા છે જ્યારે તેમના સ્થાને રવિન્દ્ર જાડેજા અને હનુમા વિહારીનો સમાવેશ કરાયો છે. હનુમા વિહારી આ મેચથી ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂ કરશે. ઉલ્લેખનીય છે કે, ભારતીય ટીમે 3 મેચોની ટી-20માં ઇંગ્લેન્ડને 2-1થી પરાજય આપીને સીરીઝ કબ્જે કરી, બાદમાં ઇંગ્લેન્ડે 3 મેચોની વનડે સીરીઝમાં 2-1થી ભારતને હાર આપીને હિસાબ બરાબર કરી લીધો હતો, હવે ભારતે ટેસ્ટ સીરીઝ પણ ગુમાવી દીધી છે. ચાર ટેસ્ટ મેચમાં ઇગ્લેન્ડે ત્રણમાં જીત મેળવી છે જ્યારે ભારત એક ટેસ્ટમાં વિજય મેળવવામાં સફળ રહ્યું છે. વિરાટ કોહલીએ આ શ્રેણીની 4 ટેસ્ટમાં 554 રન બનાવ્યા છે. તે ઇંગ્લેન્ડ પ્રવાસમાં એક શ્રેણીમાં સૌથી વધારે રન બનાવનાર ભારતીય બનવાથી ફક્ત 59 રન દૂર છે. હાલ આ રેકોર્ડ રાહુલ દ્રવિડના નામે છે. દ્રવિડે 2002માં ઇંગ્લેન્ડે પ્રવાસમાં 3 સદીની મદદથી 602 રન બનાવ્યા હતા.