બર્મિંઘમઃ ટીમ ઈન્ડિયા અને ઈંગ્લેન્ડ વચ્ચેની પાંચ મેચોની ટેસ્ટ સીરિઝની પ્રથમ ટેસ્ટ એઝબેસ્ટૉન મેદાન પર રમાઇ રહી છે. ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ઇંગ્લેન્ડની ટીમે પોતાની પ્રથમ ઈનિંગમાં 287 રન બનાવી ઑલ આઉટ થઈ ગઈ હતી. તેના જવાબમાં ટીમ ઈન્ડિયા પણ પોતાની પ્રથમ ઈનિંગમાં 274 રન પર ઑલ આઉટ થઈ ગઈ હતી. બીજી ઈનિંગમાં ઈંગ્લેન્ડની ટીમ 180 રન બનાવી ઓલ આઉટ થઈ ગઈ હતી અને ભારતને જીત માટે 194 રનનો ટારગેટ આપ્યો છે. લક્ષ્યાંકનો પીછો કરતા ટીમ ઈન્ડિયાએ ત્રીજા દિવસના અંતે 5 વિકેટ ગુમાવી 110 રન બનાવી લીધા છે. ટીમ ઈન્ડિયાને જીત માટે 84 રનની જરૂર છે. વિરાટ કોહલી (43 રન) અને દિનેશ કાર્તિક (18) રને રમતમાં છે.
ટીમ ઈન્ડિયા તરફથી ઈશાંત શર્માએ સર્વાધિક પાંચ વિકેટ ઝડપી હતી. જ્યારે અશ્વિને પણ ત્રણ વિકેટ અને ઉમેશ યાદવે 2 વિકેટ ઝડપી હતી. ઈંગ્લેન્ડ તરફથી બીજી ઈનિંગમા સેમ કુરેને સર્વાધિક 63 રન બનાવ્યા હતા.
પ્રથમ ઈનિંગમાં વિરાટ કોહલીએ શાનદાર બેટિંગ કરી ઈંગ્લેન્ડની ધરતી પર પ્રથમ ટેસ્ટ સદી ફટકારી હતી. ટેસ્ટમાં કોહલીની આ 22મી સદી છે. કોહલીએ 225 બોલમાં 22 ચોગ્ગા અને એક છગ્ગા સાથે 149 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયા તરફથી મુરલી વિજય (20 રન) ,લોકેશ રાહુલ(4 રન), શિખર ધવન(26 રન), રહાણે(15 રન) બનાવ્યા હતા. દિનેશ કાર્તિક ખાતુ ખોલાવ્યા વગર આઉટ થઈ ગયો હતો.
ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઇંગ્લેન્ડની ટીમે પ્રથમ દિવસે 88 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 285 રન બનાવ્યા હતા જ્યારે બીજા દિવસે 287 રન બનાવી ઈંગ્લેન્ડની ટીમ ઑલ આઉટ થઈ ગઈ હતી. ઈંગ્લેન્ડ તરફથી જો રૂટે સૌથી વધુ 80 રન અને જોની બેયરસ્ટો 70 રન બનાવ્યા હતા. જ્યારે કીટન જેનિંગ્સે 42 રનની ભાગીદારી નોંધાવી હતી. આ પહેલા બીજી વિકેટ માટે રૂટ અને જેનિંગ્સે 72 રનની ભાગીદારી નોંધાવી હતી.
ટીમ ઈન્ડિયા તરફથી ઈંગ્લેડની પ્રથમ ઈનિગમાં રવિચંદ્રન અશ્વિન સર્વાધિક ચાર વિકેટ લેવામાં સફળ રહ્યો હતો. જ્યારે મોહમ્મદ શમી 2 અને ઈશાંત શર્મા અને ઉમેશ યાદવે 1-1 વિકેટ ઝડપી હતી.