ઈંગ્લેન્ડ સામેની સીરિઝના આયોજન સ્થળોની પસંદગીને લઈ BCCI પર ઉઠ્યા સવાલ, જાણો શું છે કારણ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 13 Dec 2020 02:20 PM (IST)
ઈંગ્લેન્ડ વિરુદ્ધ આવતા વર્ષે ફેબ્રુઆરીમાં રમાનારી ટેસ્ટ, વનડે અને ટી20 સીરિઝ માટે કાર્યક્રમ જાહેર કરી દીધો છે. જો કે, સ્ટેડિયમ પસંદગીને લઈને વિવાદ શરુ થઈ ગયો છે.
નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ઈંગ્લેન્ડ વિરુદ્ધ આવતા વર્ષે ફેબ્રુઆરીમાં રમાનારી ટેસ્ટ, વનડે અને ટી20 સીરિઝ માટે કાર્યક્રમ જાહેર કરી દીધો છે. જો કે, સ્ટેડિયમ પસંદગીને લઈને વિવાદ શરુ થઈ ગયો છે. ભારતી ક્રિકેટ કંટ્રોલ બોર્ડે જે સ્ટેડિયમની પસંદગી કરી છે. તેનાથી રાજ્ય સંઘ ખુશ નથી અને તેના કારણે બીસીસીઆઈ નવા વિવાદમાં ફસાતું નજર આવી રહ્યું છે. આયોજનો સ્થળોને બીસીસીઆઈની આગામી મહિનામાં યોજાનારી ચૂંટણી સાથે જોડવામાં આવી રહ્યું છે. બીસીસીઆઈના પ્રમુખ સૌરવ ગાંગુલીના ઘરેલુ રાજ્યના સંઘે આયોજન સ્થળોની પસંદગી પર વાંધો ઉઠાવ્યો છે. સીરિઝની 12 મેચોમાં એક પણ મેચ તેને એલોટ કરવામાં આવી નથી. મુંબઈ ક્રિકેટ સંઘે તો આ નિર્ણય પર આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. તેને એક પણ મેચની યજમાની મળી નથી જ્યારે ગુજરાત ક્રિકેટ સંઘને 12 માંથી 7 મેચની યજમાની મળી છે. પુણે અને ચેન્નઈને પણ યજમાની મળી છે. ચેન્નઈમાં બે ટેસ્ટ જ્યારે પુણેમાં ત્રણ વનડે મેચ રમાશે. મુંબઈ ક્રિકેટ સંઘનું કહેવું છે કે, ચાર વર્ષમાં તેને એક પણ ટેસ્ટની યજમાની મળી નથી અને નિર્ણય હેરાન કરનારો છે. વિવાદ એટલા માટે પણ વધ્યો છે કે, આઈપીએલ દરમિયાન બીસીસીઆઈ ચીફ સૌરવ ગાંગુલીએ કહ્યું હતું કે, મુંબઈ અને કોલકાતાને ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ સીરિઝની યજમાની મળશે. સીએબીના અધ્યક્ષ અભિષેક ડાલમિયાએ કહ્યું કે, તેમણે જણાવવું જોઈએ કે, શા માટે તેમના સંઘોને આ સીરિઝની મેચોની યજમાની નથી મળી. ક્રિકેટ સંઘોની ચિંતા એ પણ છે કે, જો લાંબા સમય સુધી મેચોની યજમાની નહીં મળે તો તેની નાણાકીય સ્થિતિ ખરાબ થઈ જશે કારણ કે બોર્ડ એક ટેસ્ટ માટે સંઘને 2.5 કરોડ રૂપિયા અને એક વનડે- ટી20 માટે 1.5 કરોડ રૂપિયા આપે છે.