રાજકોટઃ ભારત અને ઇગ્લેન્ડ વચ્ચે પાંચ ટેસ્ટ મેચોની સીરિઝની પ્રથમ ટેસ્ટ રાજકોટ ખાતે રમાઇ રહી છે. ઇંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં ભારતે બીજા દિવસના અંતે વિના વિકેટે 63 રન બનાવી લીધા છે. દિવસના અંતે મુરલી વિજય 25 અને ગૌતમ ગંભીર 28 રને રમતમાં છે. ઈંગ્લેન્ડે પોતાની ઈનિંગમાં બેન સ્ટોક્સના 128, જો રૂટના 124 અને મોઈન અલીના 117 રનની મદદથી ઇંગ્લેન્ડ ભારત સામે પ્રથમ ટેસ્ટની પ્રથમ ઇનિંગ્સમાં 537 રન બનાવી ઓલ આઉટ થયું હતું.
ભારત તરફથી જાડેજાએ સૌથી વધારે 3 વિકેટો ઝડપી હતી. જ્યારે મોહમ્મદ શમી, ઉમેશ યાદવ અને અશ્વિનને 2-2 વિકેટ મળી હતી. મિશ્રાને 1 વિકેટ મળી હતી. ઈંગ્લેન્ડે લંચ સમય સુધીમાં 6 વિકેટ ગુમાવી 450 રન બનાવ્યા હતા.
આ અગાઉ ઇંગ્લેન્ડે પ્રથમ ટેસ્ટમાં ભારત વિરૂદ્ધ પ્રથમ દિવસના અંતે 4 વિકેટે 311 રન બનાવ્યા હતા. જો રૂટે 124 રન બનાવી કારકિર્દીની 11મી ટેસ્ટ સદી ફટકારી હતી. જો રૂટ અને મોઇન અલી વચ્ચે ચોથી વિકેટ માટે 179 રનની ભાગીદારી નોધાઇ હતી. ભારત તરફથી અશ્વિન-શમીએ 2 વિકેટ ઝડપી હતી. જ્યારે ઉમેશ યાદવ અને જાડેજાને 1-1 સફળતા મળી હતી.