વેલિંગ્ટનઃ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઇ રહેલી પ્રથમ ટેસ્ટના બીજા દિવસે ન્યૂઝીલેન્ડે પ્રથમ ઈનિંગમાં 5 વિકેટના નુકસાન પર 216 રન બનાવી લીધા છે. યજમાન ટીમે ભારત પર 51 રનની લીડ લઈ લીધી છે. બીજે વાટલિંગ 14 અને કોલિન ડી ગ્રેંડહોમ 4 રને રમતમાં છે.  ન્યૂઝીલેન્ડ તરફથી કેપ્ટન કેન વિલિયમસને 89, રોસ ટેલરે 44 રનની ઈનિંગ રમી હતી. ભારતીય ફાસ્ટ બોલર ઈશાંત શર્માને 3, મોહમ્મદ શમી અને રવિચંદ્રન અશ્વિનને 1-1 સફળતા મળી હતી.


બીજા દિવસની શરૂઆતના સત્રમાં ભારતીય ટીમ 165 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. પ્રથમ દિવસના અંતે ભારતે 5 વિકેટના નુકસાન પર 122 રન બનાવ્યા હતા. ભારત તરફથી અજિંક્ય રહાણેએ 46 રન બનાવ્યા હતા. મયંક અગ્રવાલે 34 અને શમીએ 21 રનનું યોગદાન આપ્યું હતું. ન્યૂઝીલેન્ડ તરફથી ટીમ સાઉથી અને ડેબ્યૂટન્ટ જેમીસને 4-4 વિકેટ લીધી હતી.



બીજા દિવસની રમત બાદ મીડિયા સાથે વાત કરતાં ટીમ ઈન્ડિયાના સીનિયર ફાસ્ટ બોલર ઈશાંત શર્માએ કહ્યું, ત્રણ દિવસ પહેલા 24 કલાકની યાત્રા કરીને ન્યૂઝીલેન્ડ પહોંચ્યો હતો. તેથી અહીંની પરિસ્થિતિમાં તાલમેલ બેસાડવો મુશ્કેલ હતો. જેટ લેગથી થયેલી પરેશાનીને લઈ કહ્યું, હું મારી બોલિંગથી ખુશ નથી એવું નથી પરંતુ મારા શરીરથી ખુશ નથી. ગત રાતે હું 40 મિનિટ જ ઊંઘી શક્યો હતો અને ટેસ્ટના એક દિવસ પહેલા માત્ર 3 કલાક જ નીંદર થઈ હતી. જેટ લેગથી તમે જેટલા વહેલા રિકવર થાવ તેટલું મેદાન પર સારું પ્રદર્શન કરી શકશો. તેમાંથી બહાર આવવાનો શ્રેષ્ઠ રસ્તો પૂરતી નીંદર છે.



ઈશાંતે કહ્યું, જેટ લેગના કારણે હું જેવી બોલિંગ કરવા ઈચ્છતો હતો તેવી ન કરી શક્યો. ટીમે મને રમવાનો હુકમ કર્યો અને હું મેદાનમાં ઉતર્યો. ટીમ માટે હું કંઈ પણ કરી શકું છું. ડોમેસ્ટિક ક્રિકેટમાં રમતી વખતે મને ઈજા થઈ હતી. જે બાદ મેં ટેસ્ટ રમવા અંગે વિચાર્યુ પણ નહોતું. પરંતુ મારી રમતનો શ્રેય નેશનલ ક્રિકેટ એકેડમીના સપોર્ટ સ્ટાફને જાય છે. તેમણે મારી સાથે ઘણી મહેનત કરી હતી.

દિલ્હીની આ હોટલના રૂમમાં રોકાશે USના રાષ્ટ્રપતિ ટ્રમ્પ, એક રાતનું ભાડું છે આટલા લાખ રૂપિયા, જાણો વિગત