વેલિંગ્ટનઃ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વેલિંગ્ટનમાં રમાઇ રહેલી પ્રથમ ટેસ્ટના ત્રીજા દિવસના અંતે ભારતે 4 વિકેટના નુકસાન પર 144 રન બનાવી લીધા છે અને ન્યૂઝીલેન્ડની પ્રથમ ઈનિંગની સરસાઈથી 39 રન દૂર છે. અજિંક્ય રહાણે 25 અને હનુમા વિહારી 15 રને રમતમાં છે.


183 રનના દેવા સાથે બીજી ઈનિંગમાં મેદાને ઉતરેલી ટીમ ઈન્ડિયા તરફથી મયંક અગ્રવાલે 58 રન બનાવ્યા હતા. કોહલી 19, પૃથ્વી શૉ 14 અને પુજારા 11 રન બનાવી આઉટ થયા હતા. ટ્રેન્ટ બોલ્ટે 3 અને સાઉથીએ એક વિકેટ ઝડપી હતી.


ત્રીજા દિવસે લંચ પહેલા ઓલાઉટ થઈ ન્યૂઝીલેન્ડની ટીમ

ત્રીજા દિવસે ન્યૂઝીલેન્ડની ટીમ લંચ વખતે 348 રન બનાવીને ઓલઆઉટ થતાં ભારત પર 183 રનની સરસાઈ મેળવી હતી. બુમરાહે ત્રીજા દિવસની શરૂઆતમાં જ ભારતને છઠ્ઠી સફળતા અપાવી હતી. 225 રન પર સાતમી વિકેટ પડી ગયા બાદ ન્યૂઝીલેન્ડ મોટી લીડ નહીં તેમ લાગતું હતું. પરંતુ છેલ્લી ત્રણ વિકેટે 123 રન ઉમેર્યા હતા. પ્રથમ ટેસ્ટ રમી રહેલા જેમિસને 45 બોલમાં 44 રન અને ટ્રેન્ટ બોલ્ટે 24 બોલમાં 38 રન ફટકાર્યા હતા. ન્યૂઝીલેન્ડ તરફથી કેપ્ટન કેન વિલિયમસને સર્વાધિક 89 રન બનાવ્યા હતા. ભારત તરફથી ઈશાંત શર્માએ 5, અશ્વિને 3 તથા બુમરાહ અને શમીએ 1-1 વિકેટ લીધી હતી.




બીજા દિવસે શું થયું

બીજા દિવસે ન્યૂઝીલેન્ડે પ્રથમ ઈનિંગમાં 5 વિકેટના નુકસાન પર 216 રન બનાવ્યા હતા. યજમાન ટીમે ભારત પર 51 રનની લીડ લીધી હતી. બીજે વાટલિંગ 14 અને કોલિન ડી ગ્રેંડહોમ 4 રને રમતમાં હતા.  ન્યૂઝીલેન્ડ તરફથી કેપ્ટન કેન વિલિયમસને 89, રોસ ટેલરે 44 રનની ઈનિંગ રમી હતી. ભારતીય ફાસ્ટ બોલર ઈશાંત શર્માને 3, મોહમ્મદ શમી અને રવિચંદ્રન અશ્વિનને 1-1 સફળતા મળી હતી. બીજા દિવસની શરૂઆતના સત્રમાં ભારતીય ટીમ 165 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી.


પ્રથમ દિવસે ભારતે કરી કંગાળ બેટિંગ

વરસાદના વિધ્ન વચ્ચે પ્રથમ દિવસના અંતે ભારતે 5 વિકેટના નુકસાન પર 122 રન બનાવ્યા હતા. ભારત તરફથી અજિંક્ય રહાણેએ 46 રન બનાવ્યા હતા. મયંક અગ્રવાલે 34 અને શમીએ 21 રનનું યોગદાન આપ્યું હતું. ન્યૂઝીલેન્ડ તરફથી ટીમ સાઉથી અને ડેબ્યૂટન્ટ જેમીસને 4-4 વિકેટ લીધી હતી.

સોનાની આ શાહી થાળીમાં જમશે ટ્રમ્પ અને મેલાનિયા, જાણો વિગત