નવી દિલ્હીઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બે દિવસના ભારત પ્રવાસે આવી રહ્યા છે. તેમની સાથે પત્ની મલાનિયા અને પુત્રી ઈવાન્કા તથા જમાઈ પણ આવી રહ્યા છે. ટ્રમ્પ ભારત પ્રવાસની શરૂઆત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગૃહ રાજ્ય ગુજરાતના અમદાવાદથી કરશે. અમદાવાદમાં આગમન બાદ તેઓ 22 કિમીનો રોડ શો કરી મોટેરા સ્ટેડિયમમાં નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમને સંબોધશે.


કેટલું છે ભાડું

સરકાર ટ્રમ્પના કાર્યક્રમને યાદગાર બનાવવા કોઇ કસર છોડવા નથી માંગતી. દિલ્હીમાં ટ્રમ્પ મૌર્યા હોટલમાં રોકાશે. મૌર્યા હોટલના પ્રેસિડેન્શિયલ ફ્લોર પર ચાણક્ય સુઇટ બુક કરવામાં આવ્યો છે. અહેવાલો મુજબ, ચાણક્ય સુઇટમાં એક રાત રોકવાનું ભાડું 8 લાખ રૂપિયા છે. આ સુઇટને 4600 સ્કવેર ફીટ એરિયામાં બનાવવામાં આવ્યો છે.

ગોલ્ડ પ્લેટ થાળીમાં જમશે ટ્રમ્પ દંપતિ

ગોલ્ડ અને સિલ્વર પ્લેટેડ ક્રોકરી જયપુરના અરૂણ પાબૂવાલ દ્વારા તૈયાર કરવામાં આવી છે. રિપોર્ટ્સ પ્રમાણે દિલ્હીમાં ટ્રમ્પના રોકાણ દરમિયાન આ ક્રોકરીનો ઉપયોગ કરવામાં આવશે. ડિનર અને ટી સેટમાં રાજસ્થાની સંસ્કૃતિની ઝલક જોવા મળશે. અરૂણ પાબૂવાલે જણાવ્યું કે આ ખાસ ક્રોકરીમાં ટ્રમ્પ અને તેમનો પરિવાર બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર કરશે. તેમાં ટી કપ સેટથી લઇને ડ્રાયફ્રૂટ રાખવાની કટલરી પણ સામેલ છે. તેની સાથે ગોલ્ડ પ્લેટેડ નેપકિન સેટ પણ તૈયાર કરવામાં આવ્યો છે.

સેટને ટ્રમ્પ કલેકશન નામ આપવામાં આવ્યું

આ સેટ પર નામ પણ લખવામાં આવ્યા છે. આ સેટને ટ્રમ્પ કલેક્શન નામ આપવામાં આવ્યું છે. પાબૂવાલે જણાવ્યું કે આ સમગ્ર સેટ બનાવવામાં બે થી ત્રણ અઠવાડિયાનો સમય લાગ્યો હતો. તેમાં અલગ અલગ પ્રકારની ધાતુઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. છેલ્લે તેમને અસલી સોના અને ચાંદીની લેયરથી સજાવવામાં આવી છે.