ક્રાઇસ્ટચર્ચઃ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ક્રાઇસ્ટચર્ચમાં રમાઇ રહેલી બીજી અને અંતિમ ટેસ્ટના  બીજા દિવસના અંતે ભારતે બીજી ઈનિંગમાં 6 વિકેટના નુકસાન પર 90 રન બનાવ્યા છે. હનુમા વિહારી 5 અને રિષભ પંત 1 રને રમતમાં છે. ભારતની કુલ લીડ 97 રન થઈ છે. ન્યૂઝીલેન્ડ તરફથી બોલ્ટે 9 ઓવરમાં 12 રન આપી 3 વિકેટ ઝડપી હતી.


ભારતીય ટીમની બીજી ઈનિંગમાં નબળી શરૂઆત થઈ છે. 26 રનમાં ભારતના બંને ઓપનર્સ પેવેલિનય ભેગા થઈ ગયા હતા. મયંક અગ્રવાલ 3 અને પૃથ્વી શૉ 14 રન બનાવી આઉટ થયા હતા. કોહલી 14 રન બનાવી આઉટ થયો હતો. પુજારા 24 રન અને રહાણે 9 રન બનાવી આઉટ થયા હતા. નાઇટ વોચમેન ઉમેશ યાદવ 1 રન બનાવી શક્યો હતો.

ભારતને 7 રનની મળી લીડ

ભારતીય બોલર્સે બીજા દિવસની શરૂઆતથી જ ન્યૂઝીલેન્ડને ઝટકા આપવાનું શરૂ કર્યુ હતું અને નિયમિત અંતરે વિકેટો ગુમાવી હતી. ન્યૂઝીલેન્ડની ટીમ 235 રનમાં ઓલઆઉટ થતાં ભારતને 7 રનની લીડ મળી હતી. ભારત તરફથી શમીએ 4, બુમરાહે 3, જાડેજાએ 2 અને ઉમેશ યાદવે 1 વિકેટ ઝડપી હતી.


ફરી ન્યૂઝીલેન્ડના પૂંછડિયા બેટ્સમેનો પડ્યા ભારે

એક સમયે ન્યૂઝીલેન્ડે 153 રનમાં 7 વિકેટ ગુમાવી દીધી હતી ત્યારે ભારત મોટી લીડ લે તેમ લાગતું હતું. પરંતુ પ્રથમ ટેસ્ટની જેમ પૂંછડિયા બેટ્સમેનોએ ભારતીય બોલર્સને મચક આપી નહોતી. જમિસન (49 રન) અને નીલ વેગનર (21 રન)ની જોડીએ 9મી વિકેટ માટે 51 રનની પાર્ટનરશિપ કરી હતી. બીજા દિવસે લંચ સમયે ન્યૂઝીલેન્ડનો સ્કોર 5 વિકેટના નુકસાન પર 142 રન હતો.


કેવો રહ્યો પ્રથમ દિવસ

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે બે મેચોની ટેસ્ટ સીરિઝની બીજી અને અંતિમ ટેસ્ટ મેચમાં યજમાન  ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને ભારતને બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. ટીમ ઇન્ડિયા પ્રથમ ઇનિંગમાં   242 રન બનાવી ઓલઆઉટ થઇ  ગઇ હતી. ટીમ ઇન્ડિયા તરફથી હનુમા વિહારીએ સૌથી વધુ 55 રન ફટકાર્યા હતા જ્યારે પૂજારા અને પૃથ્વી શોએ 54-54 રન બનાવ્યા હતા. ન્યૂઝિલેન્ડ તરફથી કાઇલ જેમિસને સૌથી વધુ પાંચ વિકેટ ઝડપી હતી. તે સિવાય ટીમ સાઉથી અને ટ્રેન્ડ બોલ્ટે બે-બે વિકેટ ઝડપી હતી. જ્યારે વેગનરે  એક વિકેટ ઝડપી હતી.


પ્રથમ દિવસના અંતે ન્યૂઝિલેન્ડે એક પણ વિકેટ ગુમાવ્યા વિના 63 રન બનાવી લીધા હતા. ટોમ લાથમ 27 અને ટોમ બ્લંડેલ 29 રને રમતમાં હતા