U19WC: ભારતે સેમી ફાઇનલમાં પાકિસ્તાનને આપી 203 રને કારમી હાર, હવે 3જીએ ઓસ્ટ્રેલિયા સામે ફાઇનલ
ભારત તરફથી શાનદાર બેટિંગ કરતા શુભમાન ગિલે શતક લગાવ્યું, માત્ર 94 બૉલ પર શુભમાને 102 રનોની અણનમ ઇનિંગ રમી. તેને પોતાની ઇનિંગમાં 7 ચોગ્ગા પણ ફટકાર્યા. આ પહેલા કેપ્ટન પૃથ્વી શૉ અને મનજોત કાલરાએ ટીમ ઇન્ડિયાને શાનદાર શરૂઆત અપાવી દીધી હતી. બન્ને ઓપનર્સની વચ્ચે 89 રનોનો ભાગીદારી થઇ હતી. ઉપરાંત ભારત તરફથી હાર્વિક, અનુકલે ગિલની સાથ આપતા ભારતને 272 રનો સુધી પહોંચાડ્યું હતું.
273 રનોનો પીછો કરવા ઉતરેલી પાકિસ્તાની ટીમની શરૂઆત ખુબ જ ખરાબ રહી હતી. ભારતીય ફાસ્ટ બૉલર ઇશાન પોરેલે પાકિસ્તાનને શરૂઆતી 4 ઝટકા આપ્યા. તેને ચોથી ઓવરમાં જ પાકિસ્તાનને પહેલો ઝટકો આપ્યો, ત્યાર બાદ છઠ્ઠી, આઠમી અને બારમી ઓવરમાં પાકિસ્તાનની વિકેટો ઝડપી. ઇશાને ઇમરાન શાહ, મોહમ્મદ ઝૈદ, અલી જરયૈબ, અમ્માદ આલમને પેવેલિયન ભેગા કર્યા હતા.
ભારતીય બૉલરો પાકિસ્તાની બેટ્સમેનો પર કેર વર્તાવતા તૂટી પડ્યા. શરૂઆતમાં ઇશાન પોરેલે પાકિસ્તાની બેટ્સમેનોને ઝટકા આપ્યો. ત્યારબાદ શિવા સિંહ, રિયાનની સ્પિન જોડીએ પાકિસ્તાનની કમર તોડી નાંખી હતી. શિવા અને રિયાને બે-બે વિકેટ પોતાના નામે કરી. અંકુર અને અભિષેકને પણ એક-એક વિકેટ મળી હતી.
ફાઇનલમાં ભારતનો મુકાબલો ઓસ્ટ્રેલિયા સામે થશે. ટીમ ઇન્ડિયા અગાઉ ત્રણવાર અંડર-19 વર્લ્ડ કપ પોતાના નામે કરી ચૂક્યું છે. ઉલ્લેખનીય છે કે, આ છઠ્ઠીવાર છે જ્યારે ભારતીય ટીમ અંડર-19 વર્લ્ડ કપની ફાઇનલ મેચમાં પહોંચી છે. ગયા વર્ષે પણ ભારતીય ટીમ ફાઇનલમાં પહોંચી હતી. ભારત હવે 3 ફ્રેબુઆરીએ ઓસ્ટ્રેલિયા સામે ફાઇનલમાં ટકરાશે. ભારતીય સમયાનુસાર આ મેચ સવારે 6.30 વાગે શરૂ થશે.
ક્રાઇસ્ટચર્ચઃ ન્યુઝીલેન્ડમાં રમાઇ રહેલા અંડર-19 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં ભારતે પોતાના કટ્ટર હરિફ પાકિસ્તાનને કારમી હાર આપી છે. ક્રાઇસ્ટચર્ચમાં રમાયેલી આ મેચમાં ભારતે પહેલા બેટિંગ કરતા 50 ઓવરમાં 9 વિકેટના ભોગે 272 રન બનાવ્યા હતા, જેના જવાબમાં પાકિસ્તાન માત્ર 69 રનમાં જ ઓલઆઉટ થઇ ગયું હતું. ભારતે પાકિસ્તાનને 203 રનથી પરાસ્ત કર્યું. શુભમાન ગિલે શાનદાર શતક લગાવ્યા બાદ ભારતીય બૉલરોએ શાનદાર પ્રદર્શન કરતાં પાકિસ્તાનને ઢેર કરી દીધું હતું.
ત્રણવારની ચેમ્પિયન ભારતીય ટીમે ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી ખુબજ સારુ પ્રદર્શન કરતાં પાંચેય પાંચ મેચો જીતી લીધી છે. આમાં બાંગ્લાદેશની સામે ક્વાર્ટર ફાઇનલ અને પાકિસ્તાન સામેની સેમિફાઇનલ પણ સામેલ છે. બેવારની વિજેતા પાકિસ્તાને સતત ત્રણ મેચો જીતી, છેલ્લી બે મેચોમાં શ્રીલંકા અને દક્ષિણ આફ્રિકા પર ક્લૉઝ મુકાબલામાં જીત મેળવી, પણ ભારત સામે તેને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.
પાકિસ્તાની ટીમઃ હસન ખાન (કેપ્ટન), રોહેલ નજીર, મોહમ્મદ અલી ખાન, અલી જરિયાબ, અમ્માદ આલમ, ઇમરાન શાહ, મોહમ્મદ તાહા, મોહમ્મદ મોહસિન ખાન, મોહમ્મદ મુસા, મોહમ્મદ ઝૈદ, મુનીર રિયાજ, સાદ ખાન, શાહીન અફરીદી, સુલેમાન શફાકત.
ભારતીય ટીમઃ પૃથ્વી શૉ (કેપ્ટન), મનજીત કાલરા, શુભમાન ગીલ, આર્યન જુયાલ, અભિષેક શર્મા, અર્શદીપ સિંહ, હાર્વિક દેસાઇ, કમલેશ નાગરકોટી, પંકજ યાદવ, રિયાન પરાગ, ઇશાન પોરેલ, હિમાંશુ રાણા, અનુકુલ રૉય, શિવમ માવી, શિવા સિંહ.