નવી દિલ્હીઃ પુણે ટેસ્ટની પ્રથમ દિવસની રમત પૂર્ણ થઇ ગઇ છે, ભારતનો સ્કૉર 3 વિકેટે 273 રને પહોંચ્યો છે. પ્રથમ દિવસે બેટિંગ કરતાં ઓપનર મયંક અગ્રવાલે જબરદસ્ત સદી (108) ફટકારી હતી.


ઉપરાંત પ્રથમ દિવસે પુજારા 58 રન અને કોહલીએ 63 રનની દમદાર ઇનિંગ રમી હતી. પ્રથમ દિવસે રોહિત શર્મા 14 રન બનાવીને રબાડાના બૉલ પર આઉટ થઇ ગયો હતો. બાદમાં પુજારા અને મયંક પણ રબાડાના હાથે કેચ આપીને પેવેલિયન ભેગા થયા હતા. દક્ષિણ આફ્રિકા તરફથી કગિસો રબાડાએ ત્રણેય વિકેટ ઝડપી હતી.

પ્રથમ દિવસની રમતના અંતે વિરાટ કોહલી (63 રન) અને અજિંક્યે રહાણે (18 રન) બનાવીને રમતમાં છે. બન્ને વચ્ચે ચોથી વિકેટ માટે 75 રનની ભાગીદારી થઇ ચૂકી છે.

પુણેમાં ભારત સાઉથ આફ્રિકા સામે ત્રણ ટેસ્ટ મેચની સીરીઝની બીજી ટેસ્ટ મેચમાં ભારતે ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.




મયંક અને પૂજારાની 138 રનની ભાગીદારી

લંચથી ટી બ્રેક સુધીના સમયમાં ભારતે 1 વિકેટ ગુમાવી 91 રન કર્યા હતા. પૂજારા અને મયંક વચ્ચે બીજી વિકેટ માટે 138 રનની પાર્ટનરશિપ થઈ હતી. પૂજારા 58 રન બનાવી રબાડાની ઓવરમાં આઉટ થયો હતો. તેણે કરિયરની 22મી ફિફ્ટી ફટકારી હતી.


પ્રથમ સત્રમાં 1 વિકેટ ગુમાવી કર્યા 77 રન

ટીમ ઈન્ડિયાએ લંચ સુધીના પ્રથમ સત્રમાં 1 વિકેટ ગુમાવી 77 રન કર્યા હતા.10મી ઓવરમાં ભારતને મોટો ફટકો લાગ્યો હતો. રોહિત શર્મા 14 રન બનાવી રબાડાનો શિકાર બનતાં સાઉથ આફ્રિકાને પ્રથમ સફળતા મળી હતી.


ત્રણ મેચની સીરિઝમાં ભારત 1-0થી આગળ છે.  ટીમ ઈન્ડિયામાં એક બદલાવ કરવામાં આવ્યો છે. હનુમા વિહારીના સ્થાને ઉમેશ યાદવને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે.

વિરાટ કોહલી ટેસ્ટ ક્રિકેટમાં 50મી વખત ભારતનું નેતૃત્વ કરી રહ્યો છે, જેની સાથે જે એક મોટો રેકોર્ડ પણ તેના નામે નોંધાઈ ગયો છે. વિરાટ ભારત તરફથી 50 ટેસ્ટમાં કેપ્ટનશિપ કરનારો બીજો ક્રિકેટર બની ગયો છે. વિરાટ પહેલા ધોની (60 ટેસ્ટ) જ તેનાથી વધારે ટેસ્ટમાં નેતૃત્વ કરી શક્યો છે. ગાંગુલીએ 49 મેચમાં ટીમનું સુકાન સંભાળ્યું હતું.