રાંચી:  ભારતીય ટીમના વિકેટકિપર બેટ્સમેન મહેન્દ્ર ધોનીના હોમ ટાઉન રાંચીમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત નબળી રહી હતી અને 39 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. વરસાદના કારણે 58 ઓવર બાદ પ્રથમ દિવસની રમત બંધ રહી ત્યારે ભારતનો સ્કોર 3 વિકેટના નુકસાન પર 224 રન હતો. રોહિત શર્મા 117 અને અજિંક્ય રહાણે 83 રને રમતમાં હતા. આ દરમિયાન રોહિત શર્માએ અનેક રેકોર્ડ બનાવ્યા હતા.


ટેસ્ટ ક્રિકેટમાં 2000 રન

ટીમ ઈન્ડિયાના ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્માએ દક્ષિણ આફ્રિકા સામે રમાઈ રહેલી ત્રણ મેચોની સીરિઝમાં ત્રીજી સદી સાથે પોતાના કેરિયરમાં 2000 ટેસ્ટ રન પૂરા કર્યા હતા. રોહિત શર્માની આ સીરિઝમાં ત્રીજી સદી છે. રોહિતે આ પહેલા વિશાખાપટ્ટનમમાં પ્રથમ ટેસ્ટમાં બન્ને ઇનિંગમાં સદી ફટકારી હતી. આ સીરીઝ પહેલા રોહિતના નામે માત્ર ત્રણ સદી હતી પરંતુ હવે તેમના નામે 30 ટેસ્ટ મેચોમાં 6 સદી થઈ ગઈ છે.  રોહિતે 130 બોલમાં 13 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી પોતાની સદી પૂરી કરી હતી. રોહિતે અત્યાર સુધી કુલ 30 ટેસ્ટ મેચમાં 51 ઇનિંગ રમી છે જેમાં 46.58ની એવરેજથી 2003 રન બનાવ્યા છે. તેના નામે 10 અડધી સદી છે.

સિક્સ મારી સદી પુરી કરી ગંભીરના રેકોર્ડની બરાબરી

રોહિત શર્માએ સિક્સ ફટકારીને સદી પૂરી કરી હતી. રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાં બીજી વખત આ કારનામું કર્યું હતું અને સિક્સ મારીને સદી પૂરી કરનારા ખેલાડીઓમાં ગંભીર સાથે સંયુક્ત રીતે બીજો ભારતીય બેટ્સમેન બની ગયો છે. સિકસ મારી સદી પૂરી કરવામાં માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર પ્રથમ સ્થાને છે. તેણે છ વખત આ પરાક્રમ કર્યું છે.

એક સીરિઝમાં ત્રણ કે તેથી વધુ સદી નોંધનારો ઓપનર

રોહિત શર્મા એક સીરિઝમાં ત્રણ કે તેથી વધુ સદી નોઁધાવનાર ભારતનો ત્રીજો ઓપનર છે. આ પહેલા સુનીલ ગાવસ્કરે આ કારનામું કર્યું હતું. ગાવસ્કરે ત્રણ વખત એક સીરીઝમાં ત્રણ કે તેથી વધુ સદી ફટકારી છે.


આઈસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપમાં સૌથી વધારે સિક્સ

ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં રોહિત શર્મા 17 સિક્સ સાથે પ્રથમ ક્રમે છે. ઈંગ્લનેન્ડનો બેન સ્ટોક્સ 13 સિક્સ સાથે બીજા ક્રમે છે. જ્યારે ભારતના મયંક અગ્રવાલ અને રવીન્દ્ર જાડેજા સાત છગ્ગા સાથે સંયુક્ત રીતે ત્રીજા ક્રમે છે.  આ ઉપરાંત રોહિત શર્મા દ્વી પક્ષીય ટેસ્ટ શ્રેણીમાં સૌથી વધારે સિક્સ મારવાનો રેકોર્ડ બનાવ્યો હતો. વેસ્ટ ઈન્ડિઝના હેટમાયરે 2018-19માં બાંગ્લાદેશ સામે 15 સિક્સ ફટકારી હતી, જયારે રોહિતે આ રેકોર્ડ તોડતા ચાલુ સીરિઝમાં સિક્સનો આંકડો 17 પર પહોંચાડી દીધો છે.

સાઉથ આફ્રિકા સામે ચોથી વિકેટ માટે રેકોર્ડ પાર્ટનરશિપ

રોહિત શર્માએ અજિંક્ય રહાણે સાથે ચોથી વિકેટ માટે 185 રનની પાર્ટનરશિપનો નવો રેકોર્ડ બનાવ્યો છે. આ પહેલા વિરાટ કોહલી અને અજિંક્ય રહાણેએ પુણેમાં 178 રનની ભાગીદારી કરી હતી.


ગુજરાતના કયા વિસ્તારમાં અચાનક જોવા મળ્યો વાતાવરણમાં પલટો? વરસાદ થાય તેવા એંધાણ ? જાણો વિગત