નવી દિલ્હીઃ ભારત અને દક્ષિણ આફ્રીકાની વચ્ચે ત્રણ મેચની સીરીઝની પ્રથમ મેચ ધર્મશાળામાં રમાઈ હતી જે વરસાદને કારણે રદ્દ થઈ હતી. એવામાં હવે બધાની નજર 18 સપ્ટેમ્બરે રમાનાર બીજી ટી20 મેચ પર છે. આ મેચ પહેલા સાઉથ આફ્રીકાને એક ભારતીય કંપનીની મદદ મળી છે. ટીમ ઇન્ડિયાની જર્સી પર હવે ભારતીય કંપની બાયજૂનો લોગો જોવા મળી રહ્યો છે. જ્યારે સાઉથ આફ્રીકની જર્સી પર પણ હવે અન્ય એક અન્ય ભારતીય કંપની અમૂલનો લોગો જોવા મળશે.

ભારતીય દૂધ ઉત્પાદક કંપની ‘અમૂલ’ ભારત પ્રવાસ પર દક્ષિણ આફ્રિકાની ટીમને સ્પોન્સર કરશે. અમૂલે દક્ષિણ આફ્રિકા ક્રિકેટ બોર્ડ સાથે એક નવો કરાર કર્યો છે, જે હેઠળ અમૂલનો લોગો ટીમની જર્સી પર જોવા મળશે.


ભારતની અમૂલ વિશ્વની નવમી સૌથી મોટી ડેરી કંપની છે, જ્યારે તે ભારતની સૌથી મોટી ફૂડ કંપની છે. અમૂલ સ્ટાન્ડર્ડ બેંક આંતરરાષ્ટ્રીય શ્રેણી માટે પ્રોટીઝ સાથે ભાગીદારી કરશે.

દ.આફ્રિકા ક્રિકેટ બોર્ડે પણ અમૂલ સાથે જોડાવા પર ખુશી વ્યક્ત કરી છે અને માને છે કે તે દક્ષિણ આફ્રિકાની ટીમને ઉપખંડમાં ચાહકો સાથે જોડાવામાં મદદ કરશે. આ ભાગીદારી અંગે સાઉથ આફ્રિકન ક્રિકેટ બોર્ડના ચીફ કોમર્શિયલ ઓફિસર કુગાંડ્રી ગોવેન્દરે કહ્યું કે તે અમૂલનો આભારી છે. તે જ સમયે, અમુલના મેનેજિંગ ડિરેક્ટર (ડેરી બ્રાન્ડ) ડો. એસ. સોઢીએ કહ્યું કે અમારી કંપનીને દક્ષિણ આફ્રિકાની ટીમમાં જોડાવાનો ગર્વ છે.