વિશાખાપટ્ટનમઃ ભારતે ત્રણ ટેસ્ટ સીરિઝની પ્રથમ ટેસ્ટમાં વિશખાપટ્ટનમ ખાતે દક્ષિણ આફ્રિકાને 203 રને હરાવ્યું હતું. આ સાથે ભારતે 1-0ની લીડ મેળવી લીધી છે. ચોથા દાવમાં 395 રનનો પીછો કરતાં દક્ષિણ આફ્રિકા 191 રનમાં ઓલઆઉટ થયું હતું. સીરિઝની બીજી મેચ 10 ઓક્ટોબરના રોજ પુણેમાં રમાશે.


રોહિત શર્માએ સાઉથ આફ્રિકા સામે ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં 176 બનાવ્યા હતા. જેમાં તેણે 23 ચોગ્ગા અને છ ગગનચૂંબી છગ્ગા ફટકાર્યા હતા. જ્યારે બીજી ઈનિંગમાં 127 રન બનાવ્યા હતા. આ ઈનિંગમાં તેણે 10 ચોગ્ગા અને સાત તોતિંગ છગ્ગા લગાવ્યા હતા. આ રીતે મેચમાં તેણે 13 સિક્સર ઠોકી હતી. બંને ઈનિંગમાં મળી તેણે 303 રન બનાવ્યા હતા. રોહિત શર્માને તેના શાનદાર પ્રદર્શન માટે પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.


રોહિત શર્માએ કહ્યું, બેટિંગમાં ઉપરના ક્રમે મોકો મળવો મારા માટે શાનદાર અવસર છે. હું ત્યાં જઈને મારું શું સર્વશ્રેષ્ઠ આપી શકું તે કરવા માંગતો હતો. આ પહેલા મેં ક્યારેય ટેસ્ટમાં ઓપનિંગ કરી નહોતી. આશરે બે વર્ષ પહેલા મને કહેવામાં આવ્યું કે ક્યારેક મને પણ ઓપનિંગમાં મોકલવામાં આવશે. જે બાદ નેટ્સમાં હું નવો બોલનો સામનો કરવાની પ્રેક્ટિસ કરતો હતો. તમે વ્હાઇટ બોલથી રમો છો કે રેડ બોલથી તે કોઇ મુદ્દો નથી. શરૂઆતમાં સાવધાની દાખવીને બેસિક્સ પર ફોક્સ કરવાનું હોય છે.

તેણે પ્રથમ ટેસ્ટમાં જ ઓપનર તરીકેની સફળતા અંગે જણાવ્યું, સફળતાનો એક જ મંત્ર છે કે ઓફ સ્ટંપના બહારના બોલને છોડી દો અને જેટલું શક્ય હોય તેટલું શરીરની નજીકથી જ રમો. મારું કામ પણ આ કરવાનું હતું. ટીમ મેનેજમેન્ટ પણ મારી પાસેથી આવી જ આશા રાખતું હતું અને મેં પણ આમ કર્યું  સાવધારની સાથે રમતમાં આક્રમકતા ઉમેરવી મારી નૈસર્ગિક  બેટિંગ છે. કઈ સ્થિતિમાં હું બેટિંગ કરું છું તે પરિસ્થિતિ પર નિર્ભર કરે છે.

દક્ષિણ આફ્રિકા સામે પ્રથમ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની શાનદાર જીતના આ રહ્યા હીરો, જાણો વિગતે