ધર્મશાલાઃ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ધર્મશાલામાં રમાનારી ટી-20 મેચ ટોસ વિના જ રદ કરી દેવામાં આવી છે. રવિવારે ધર્મશાલામાં સતત વરસાદના કારણે મેચ સંભવ થઇ શકી નહોતી. વરસાદના કારણે હિમાચલ પ્રદેશ ક્રિકેટ અસોસિયેશન મેદાનમાં પાણી ભરાઇ ગયુ હતું. ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની ટી-20 સીરિઝની બીજી મેચ 18 સપ્ટેમ્બરના રોજ મોહાલીમાં રમાશે. ત્યારબાદ ત્રીજી મેચ 22 સપ્ટેમ્બરના રોજ બેંગલુરુમાં રમશે. ટોસના સમયે મેદાન પર ખૂબ પાણી ભરાયેલુ હતું. થોડા સમય બાદ વરસાદ રોકાયો હતો અને પાણી કાઢવાનું કામ શરૂ કરાયુ હતું. પરંતુ ફરીવાર વરસાદ પડતા કવર હટાવાયા નહોતા. ભારે વરસાદને કારણે મેચ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.




બીસીસીઆઇના પૂર્વ અધ્યક્ષ અનુરાગ ઠાકુરની ઓફિસ તરફથી સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કરાયો હતો જેમાં ધર્મશાળામાં વરસાદ વરસી રહ્યો છે જે જોઇ શકાય છે. આ વીડિયોમાં જોઇ શકાય છે કે વરસાદના કારણે મેદાન પર કવર ઢંકાયેલા છે. હવામાન વિભાગે ધર્મશાલામાં મેચના દિવસે ભારે  વરસાદનો અંદાજ લગાવાયો હતો.