એન્ટીગુઆઃ વેસ્ટ ઈન્ઝ સામે આજે ભારતીય ટીમ ટેસ્ટ રમવા મેદાનમાં ઉતરશે. તેની સાથે જ ભારતનો આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપનો પ્રારંભ થશે. ભારત અને વિન્ડિઝ વચ્ચેની બે ટેસ્ટની શ્રેણી અંતર્ગતનો સૌપ્રથમ મુકાબલો એન્ટિગાના વિવિયન રિચાર્ડ્સ સ્ટેડિયમ ખાતે રમાશે. વેસ્ટ ઇન્ડિઝને તેના ઘરમાં હરાવવું ખૂબ મુશ્કેલ રહેશે. ટીમ ઇન્ડિયા આઠ મહિના બાદ ટેસ્ટ રમી રહી છે. આ સાથે ટીમમાં અશ્વિન, રહાણે, પૂજારા, ઇશાંત શર્મા અને રહાણે સામેલ થયા છે. એવામાં ટીમ ઇન્ડિયા ક્યા પ્લેઇંગ ઇલેવન સાથે રમશે એ જાણવું રસપ્રદ રહેશે.
ભારતીય પસંદગીકારોએ ટેસ્ટ સીરિઝ માટે પસંદ કરેલી ટીમમાં ત્રણ સ્પિનરોને સ્થાન આપ્યું છે. પરંતુ ટીમ ઇન્ડિયા આજની મેચમાં પ્લેઇંગ ઇલેવનમાં એક જ સ્પિનરનો સમાવેશ કરશે. ઝડપી બોલિંગમાં જસપ્રીત બુમરાહ, ઇશાંત શર્મા અને મોહમ્મદ શમીનું રમવું લગભગ નક્કી છે. જ્યાં સુધી ઓપનિંગ બેટિંગની વાત કરવામાં આવે તો ત્યાં પણ કોઇ ફેરફાર કરવામાં ના આવે તેવી સંભાવના છે. લોકેશ રાહુલ અને મયંક અગ્રવાલ ટીમ માટો ઓપનિંગ કરતા જોવા મળી શકે છે.
તો ચેતેશ્વર પૂજારા ત્રીજા ક્રમે, કોહલી ચોથા અને રહાણે પાંચમા ક્રમે બેટિંગમાં ઉતરી શકે છે. જોકે, છઠ્ઠા નંબર પર રોહિત શર્મા, રહાણે અને હનુમા વિહારી વચ્ચે સ્પર્ધા જોવા મળશે. આશા છે કે રોહિત શર્માને આ નંબર પર રમાડવામાં આવશે. સાતમા ક્રમ પર વિકેટકીપર રિદ્ધિમાન સહાને રમાડવામાં આવી શકે છે.