નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસ પર છે. ભારત અને વેસ્ટ ઇન્ડિઝની વચ્ચે બે મેચની ટેસ્ટ સીરીઝનો પ્રતમ મેચ 22 ઓગસ્ટના રોજ એન્ટીગામાં રમાશે. ટેસ્ટ સીરીઝ પહેલા કેપ્ટન વિરાટ કહોલીએ જણાવ્યું કે, ટીમ ઇન્ડિયાને કઈ વાતનું ટેંશન છે ઉપરાંત કહ્યું કે, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ શરૂ થવાથી ટેસ્ટ ક્રિકેટને શું ફાયદો થશે.


વેસ્ટ ઇન્ડીઝ સામે ટેસ્ટ શ્રેણીની તૈયારી કરી રહેલા કોહલીએ સ્વીકાર્યું કે, ટીમની બોલિંગમાં સુધારો થયો છે અને હવે તે બેટ્સમેન ઉપર આધાર રાખે છે કે તે તેમની બરાબરી કરે. ખેલાડીઓના વ્યક્તિગત પ્રદર્શનના બદલે એક ટીમના રુપમાં બેટિંગના મહત્વ પર જોર આપતા કોહલીએ કહ્યું હતું કે મને નથી લાગતું કે આપણે બેટિંગ સ્તર ઉપર ખરા ઉતર્યા છે. ટેસ્ટમાં બેટિંગ હંમેશા મુશ્કેલ હોય છે પણ હવે ચેમ્પિયનશિપ શરૂ થતા વધારે મુશ્કેલ થશે.

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં રમવાને લઈને ઉત્સાહિત ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું હતું કે છેલ્લા કેટલાક વર્ષોમાં ટેસ્ટ ક્રિકેટમાં પ્રતિસ્પર્ધા ડબલ થઈ છે. આ નિર્ણય યોગ્ય સમયે ઉઠાવ્યો છે. લોકો વાતો કરતા હતા કે ટેસ્ટ ક્રિકેટ પ્રાસંગિક રહ્યું નથી કે મરી રહ્યું છે. કોહલીએ કહ્યું હતું કે હવે ખેલાડીઓ ઉપર છે કે તે આ પડકારનો સ્વિકાર કરે અને જીત મેળવવાનો પ્રયત્ન કરે.