નવી દિલ્હીઃ ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે ત્રણ મેચની સીરિઝની આજે બીજી વન-ડે મેચ રમાશે. આજની મેચમાં યુનિવર્સ બોસ ક્રિસ ગેઇલ મેદાનમાં ઉતરતાની સાથે જ ઇતિહાસ રચશે. ગેઇલ આજે 300મી વન-ડે મેચ રમશે. આ સાથે 300 વન-ડે રમનાર ગેઇલ પ્રથમ વેસ્ટ ઇન્ડિઝનો ખેલાડી બની જશે.

30 વર્ષીય ગેઇલે 37.80ની સરેરાશ અને 86.97ની સ્ટ્રાઇક રેટથી 10 હજાર 397 રન બનાવ્યા છે. તેમણે અત્યાર સુધીમાં વન-ડે કરિયરમાં 25 સદી અને 53 અડધી સદી ફટકારી છે. ગેઇલ પાસે સાઉથ આફ્રિકાના દિગ્ગજ ક્રિકેટર એબી ડિવિલિયર્સથી આગળ જવાની તક છે. ડિવિલિયર્સ  અને ગેઇલ બંન્નેના નામે ક્રિકેટમાં 25 સદી લગાવવાનો રેકોર્ડ છે. ગેઇલ પાસે પોતાની અંતિમ વન-ડે સીરિઝને યાદગાર બનાવવાની તક છે.

તે સિવાય ગેઇલ પાસે વેસ્ટ ઇન્ડિઝના મહાન બેટ્સમેન બ્રાયન લારાનો પણ રેકોર્ડ તોડવાની તક છે. લારા સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. તેણે વન-ડે ક્રિકેટમાં 10405 રન બનાવ્યા હતા. જ્યારે ગેઇલ આ રેકોર્ડથી નવ રન પાછળ છે. જો આજની મેચમાં ગેઇલ નવ રન બનાવી લે તો તેણે વેસ્ટ ઇન્ડિઝ તરફથી સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની જશે. નોંધનીય છે કે ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની પ્રથમ વન-ડે મેચ વરસાદના કારણે રદ થઇ ગઇ હતી.