નવી દિલ્હીઃ ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની T-20 સીરિઝનો પ્રથમ મુકાબો રવિવારે ધર્મશાળાના એચપીસીએ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. આજે બીસીસીઆઈએ તેના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી મેદાનની તસવીર શેર કરી છે. ધર્મશાળાના હવામાનને લઈ ક્રિકેટ રસિયામાં ચિંતાનો માહોલ છે.

ધર્મશાળામાં કાળા વાદળા છવાયેલા છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, ધર્મશાળામાં મેચના દિવસે ભારે વરસાદ પડવાનો અંદાજ છે. હિમાચલ પ્રદેશના હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં વરસાદની સંભાવના છે. આજે બપોરે પણ ત્યાં વરસાદ પડ્યો હતો.


વરસાદના કારણે પીચ ફાસ્ટ બોલરોને મદદ કરી શકે છે. આ ઉપરાંત પીચ પર ઘાસ પણ જોવા મળી રહ્યું છે, જેના કારણે ફાસ્ટ બોલરોને અનુકૂળ પીચ માનવામાં આવી છે. આજે ભારતીય ટીમ સ્ટેડિયમ પર પહોંચી ત્યારે ભારે વરસાદ શરૂ થયો હતો. ટીમ ઈન્ડિયાના ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્માએ આશરે 10 મિનિટ નેટ પર બેટિંગ પ્રેક્ટિસ કરી અને વરસાદના કારણે પરત જતો રહ્યો હતો.