નવી દિલ્હી: વેસ્ટ ઈન્ડિઝ સામેની ટી20 મેચની શ્રેણી પૈકીની પ્રથમ મેચમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ ટૉસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. વેસ્ટ ઈન્ડિઝે 20 ઓવરમાં 9 વિકેટના નુકસાન પર 95 રન બનાવ્યા હતા. ભારત તરફથી નવદીપ સૈનીએ શાનદાર ડેબ્યૂ કર્યું હતું. ડેબ્યૂ મેચમાં તેણે ચાર ઓવરમાં 1 મેડન નાખી 17 રનમાં 3 વિકેટ ઝડપી હતી.

રણજી ટ્રોફીમાં નવદીપ સૈની દિલ્હી તરફથી રમે છે, પરંતુ મૂળ તે હરિયાણાના કરનાલનો છે. એક સમય એવો હતો કે કરનાલમાં લોકલ ટુર્નામેન્ટમાં રમતી વખતે તેને માત્ર 200 રૂપિયા મેચ ફી મળતી હતી. એટલું જ નહીં 2013 સુધી સૈની લેધર બોલથી નહીં ટેનિસ બોલથી ક્રિકેટ રમતો હતો.

કરનાલ પ્રીમિયર લીગમાં દિલ્હીના પૂર્વ બોલર સુમિત નરવાલે તેની બોલિંગ જોઈને પ્રભાવિત થયો. જે બાદ સૈનીને દિલ્હી બોલાવ્યો. જ્યાં ગૌતમ ગંભીરને નેટ પ્રેક્ટિસ કરાવી. ગંભીર તેની બોલિંગ જોઈને હેરાન રહી ગયો અને દરરોજ નેટ પ્રેક્ટિસ માટે આવવાનું કહ્યું. જે તેના માટે મોટી સિદ્ધી હતી. ગંભીરે તેને સપોર્ટ કર્યો અને દિલ્હી રણજી ટીમમાં પસંદગી થઈ. 2013-14 ટીમમાં દિલ્હી રણજી ટીમમાં સિલેકશન થયા બાદ તેણે ક્યારેય પાછળ વળીને જોયું નથી.

સૈનીને 2018માં અફઘાનિસ્તાન સામે એક માત્ર ટેસ્ટ માટે જ્યારે પ્રથમ વખતે ઈન્ટરનેશનલ ટીમમાં સામેલ કરવામાં આવ્યો ત્યોરે ગંભીરને તેનો મેન્ટર ગણાવ્યો હતો. હાલ આઈપીએલમાં તે RCB તરફથી રમે છે.