કટકઃ વન ડે ક્રિકેટમાં બે વખત હેટ્રિક લેનારો પ્રથમ ભારતીય બનેલો ચાઈનામેન બોલર કુલદીપ યાદવ વન ડે ક્રિકેટમાં 100 વિકેટ પૂરી કરવાથી માત્ર એક વિકેટ દુર છે. 25 વર્ષીય કુલદીપ જો રવિવારે કટકમાં રમાનારી વન ડેમાં વેસ્ટ ઈન્ડિઝ સામે એક વિકેટ લેશે તો 100 વિકેટ લેનારો 22મો ભારતીય બોલર બની જશે.


ચાઈનામેન બોલર કુલદીપે 54 વન ડે મેચમાં અત્યાર સુધીમાં 99 વિકેટ લીધી છે. જો તે 100 વિકેટ પૂરી લેશે તો વન ડે ક્રિકેટમાં સૌથી ઝડપી 100 વિકેટ લેનારો પ્રથમ ભારતીય બોલર બની જશે. હાલ આ રેકોર્ડ ફાસ્ટ બોલર મોહમ્મદ શમીના નામે છે. તેણે 55 વન ડેમાં આ ઉપલબ્ધિ હાંસલ કરી હતી.



આ ઉપરાંત કુલદીપ 100 વિકેટ લેનારો ભારતનો આઠમો સ્પિનર બની જશે. પૂર્વ લેગ સ્પિનર અનિલ કુંબલે વન ડેમાં ભારતનો સૌથી સફળ સ્પિનર છે. તેણે 269 વન ડેમાં 334 વિકેટ ઝડપી છે. કુલદીપ બુધવારે વિશાખાપટ્ટનમમાં વેસ્ટ ઈન્ડિઝ સામે રમાયેલી બીજી વને ડેમાં હેટ્રિક લીધી હતી અને વન ડેમાં આ તેની બીજી હેટ્રિક હતી. કુલદીપે આ પહેલા 21 સપ્ટેમ્બર, 2017ના રોજ કોલકાતામાં ઓસ્ટ્રેલિયા સામે હેટ્રિક લીધી હતી. તે અંડર-19માં પણ હેટ્રિક લઈ ચુક્યા  છે.



ભારતના આ બોલરો લઈ ચુકયા છે વન ડેમાં હેટ્રિક

ભારત તરફથી વન ડેમાં સૌ પ્રથમ હેટ્રિક ચેતન શર્માએ લીધી હતી. 1987માં નાગપુરમાં તેણે ન્યૂઝીલેન્ડ સામે આ કારનામું કર્યું હતું. જે પછી 1991માં શ્રીલંકા સામે કોલકાતામાં કપિલ દેવે હેટ્રિક ઝડપી હતી. આ બે ઘટના બાદ 2017માં ભારતનો કોઈ બોલર હેટ્રિક લઈ શક્યો હતો. 2019ના વર્લ્ડકપમાં મોહમ્મદ શમીએ અફઘાનિસ્તાન સામે હેટ્રિક લીધી હતી.



વન ડેમાં સૌથી વધુ મલિંગાના નામે છે હેટ્રિક

વન ડેમાં શ્રીલંકાના ફાસ્ટ બોલર લસિથ મલિંગાના નામે સૌથી વધુ હેટ્રિક છે. તે વન ડેમાં ત્રણ વખત આ કારનામું કરી ચુક્યો છે. જ્યારે પાકિસ્તાનના વસીમ અક્રમ અને સકલીન મુશ્તાક, શ્રીલંકાનો ચામિંડા વાસ, ન્યૂઝીલેન્ડનો ટ્રેન્ટ બાઉલ્ટ અને ભારતનો કુલદીપ યાદવ 2-2 વખત વન ડેમાં હેટ્રિક લઇ ચુક્યા છે.

 RILને હાઇકોર્ટે આપ્યો ઝટકો, સંપત્તિનું વિવરણ આપવાનો કર્યો આદેશ, જાણો શું છે મામલો

IND v WI: કટકમાં આવતીકાલે ત્રીજી વન ડે, વેસ્ટ ઈન્ડિઝ સામે સતત 10મી સીરિઝ જીતવાના ઈરાદે ઉતરશે ટીમ ઈન્ડિયા