નવી દિલ્હીઃ ટી-20 સીરિઝમાં 3-0થી ક્લીન સ્વીપ કર્યા બાદ ટીમ ઇન્ડિયા વેસ્ટ ઇન્ડિઝ સામે આજે રમાનારી ત્રીજી વન-ડે મેચમાં જીતીને વન-ડે સીરિઝ જીતવાનો પ્રયાસ કરશે. પ્રથમ વન-ડે વરસાદના કારણે રદ થઇ ગઇ હતી. જ્યારે બીજી વન-ડેમાં ટીમ ઇન્ડિયોન 59 રને વિજય થયો હતો. જો ભારત ત્રીજી મેચ હારશે તો સીરિઝ 1-1થી ડ્રો રહેશે. ભારત માટે સારા સમાચાર એ છે કે કેપ્ટન કોહલી ફોર્મમાં પાછો ફરી ગયો છે. કોહલીએ છેલ્લી 11 ઇનિંગ્સથી સદી ફટકારી નહોતી પરંતુ બીજી મેચમાં તેણે 120 રનની શાનદાર ઇનિંગ રમી હતી.


આજની મેચમાં શિખર ધવન અને રોહિત શર્માએ સારી શરૂઆત અપાવવી પડશે. જેમાં ધવન સંઘર્ષ કરતો જોવા મળી રહ્યો છે. તેણે ત્રણ ટી-20માં અનુક્રમે 1,23 અને ત્રણ રન અને બીજી વન-ડેમાં ફક્ત બે રન બનાવ્યા હતા. મિડલ ઓર્ડરમાં ચોથા નંબરને લઇને ખૂબ સમસ્યા રહી છે એવામાં આ સ્થાન પર ઐય્યરે બીજી વનડેમાં રમેલી 71 રનની ઇનિંગે ટીમ મેનેજમેન્ટને થોડી રાહત આપી છે. બોલિંગમાં ભુવનેશ્વર કુમાર છેલ્લી મેચમાં 31 રન આપીને ચાર વિકેટ ઝડપી હતી. તે સિવાય મોહમ્મદ શમી અને કુલદીપ યાદવે પણ બે-બે વિકેટ ઝડપી હતી. બીજી તરફ વેસ્ટ ઇન્ડિઝ આ મેચ જીતીને સીરિઝ સરભર કરવા માંગશે. આજની મેચમાં ટીમને હેટમેર, નિકોલસ પૂરન જેવા બેટ્સમેન પાસે આશા છે.