ભારતે વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસ માટે પસંદ કરેલી ટીમમાં યુવા ખેલાડીઓને તક આપી છે. ટી-20 સીરિઝની પ્રથમ બે મેચ અમેરિકામાં રમાશે. ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે પ્રથમ ટી-20 મેચ ફ્લોરિડામાં રમાશે. ટીમ ઇન્ડિયા ઓપનિંગમાં રોહિત શર્મા અને શિખર ધવનને ઉતારી શકે છે. આ બંન્ને ટીમ ઇન્ડિયા માટેઘણા સમયથી ઓપનિંગ કરી રહ્યા છે. ત્રીજા નંબર પર કોહલી મેદાનમાં ઉતરી શકે છે. ચાર નંબર પર બેટિંગ કરનાર લોકેશ રાહુલનો સ્ટ્રાઇક રેટ 149.2 છે. તેના ફોર્મને જોતા તે ટી-20માં મહત્વની ભૂમિકા નિભાવી શકે છે. પંત, પાંડે અને કૃણાલ પંડ્યા મધ્યમક્રમમાં મજબૂત ખેલાડી છે. પંડ્યા ટી-20માં જાડેજા કરતા વધુ ઉપયોગી સાબિત થઇ શકે છે.
બોલિંગમાં ટીમ ઇન્ડિયામાં ભુવનેશ્વર કુમાર, દીપક ચહર, રાહુલ ચહર, ખલીલ અહેમદ છે. ભુવીના નેતૃત્વમાં દીપક ચહર અને રાહુલ ચહર શાનદાર પ્રદર્શન કરી શકે છે. દીપક અને રાહુલ આ બંન્ને ભાઇઓની જોડી ધમાલ મચાવવા તૈયાર હશે. વેસ્ટ ઇન્ડિઝની વાત કરવામાં આવે તો વેસ્ટ ઇન્ડિઝનું પ્રદર્શન વર્લ્ડકપ 2019માં ભલે ખરાબ રહ્યુ હોય પરંતુ ટી-20માં વેસ્ટ ઇન્ડિઝનું પ્રદર્શન સારુ રહ્યું છે. વેસ્ટ ઇન્ડિઝ પાસે કાર્લોસ બ્રેથવેઇટ, સુનીલ નરેન, આંદ્રે રસેલ, પોલાર્ડ, નિકોલસ પૂરન, શેમરોન હેટમેર જેવા ખેલાડીઓ છે જે એકલા હાથે મેચની બાજી પલટી શકે છે.