નવી દિલ્હી: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રણ મેચોની ટી-20 સીરીઝનો અંતિમ મુકાબલો ગુયાનામાં રમાશે. વરસાદના કારણે ટૉસમાં વિલંબ થયો છે. હાલ વરસાદ અટકી ગયો છે. ભારતીય સમય મુજબ 8.30 કલાકે મેદાનનું ઇન્સ્પેક્શન કરવામાં આવશે.

ભારતે ફ્લોરિડામાં રમાયેલી બંને મેચ જીતી લીધી હોવાથી શ્રેણી પર 2-0થી કબજો કરી લીધો છે પરંતુ હવે ટીમ ઈન્ડિયાની નજર વિન્ડિઝને 3-0થી વ્હાઇટ વોશ કરવા પર છે. આજની મેચમાં ટીમ ઈન્ડિયામાં કેટલાક ફેરફાર થઈ શકે છે.

ખરાબ ફોર્મમાં રહેલા રિષભ પંતને વધુ એક મોકો આપવામાં આવી શકે છે, જ્યારે મનીષ પાંડે અને રોહિત શર્માને આરામ આપવામાં આવે તેવી પણ શક્યતા છે. બોલિંગ વિભાગમાં પણ પરિવર્તન કરવામાં આવે તેવા કેપ્ટન કોહલીએ સંકેતો આપ્યા છે. રોહિત શર્માના સ્થાને લોકેશ રાહુલ અને મનીષ પાંડેના બદલે શ્રેયસ અય્યર ટીમમાં સ્થાન મેળવી શકે છે.

આજની મેચમાં ટીમ ઈન્ડિયા તરફથી લેગ સ્પિનર રાહુલ ચહર ડેબ્યૂ કરી શકે છે. આઈપીએલમાં ચહરે તેના કાંડાના કૌવત દ્વારા દિગ્ગજ બેટ્સમેનોને મુશ્કેલીમાં મુક્યા હતા અને વિકેટ ઝડપી હતી. જાડેજાના સ્થાને તેનો સમાવેશ કરવામાં આવી શકે છે. જ્યારે તેના પિતરાઇ ભાઈ દીપક ચહરને ભુવનેશ્વર કુમારના સ્થાને સામેલ કરવામાં આવે તેવી અટકળો છે.