કાનપુરઃ ટીમ ઇન્ડિયાએ ગ્રીન પાર્ક, કાનપુરમાં ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ ઐતિહાસિક 500મી ટેસ્ટ 197 રને જીતી લીધી છે. ટીમ ઇન્ડિયા તરફથી આપવામાં આવેલ 434 રનના ટાર્ગેટ સામે ન્યૂઝીલેન્ડ પાંચમાં દિવસે લંચ બાદ 236 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. મેચમાં 6 વિકેટ લેનાર અને બીજી ઈનિંગમાં ફિફ્ટી બનાવનાર ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાને મેન ઓફ ધ મેચનો ખિતાબ આપવામાં આવ્યો. અશ્વિને આ મેચમાં 10 વિકેટ લીધી.

કીવી ટીમના આખરી આઉટ થનાર બેટ્સમેન નીલ વાગનર (0) રહ્યા. આર અશ્વિનને બીજી ઈનિંગમાં પોતાનો છઠ્ઠી વિકેટ તરીકે તેમને આઉટ કર્યા હતા. તેની સાથે અશ્વિને ટેસ્ટમાં 19મી વખત પાંચ અથવા તેનાથી વધારે વિકેટ મેળવી હતી. અશ્વિને બીજી ઈનિંગમાં 35.3 ઓવરમાં 132 રન આપીને 6 વિકેટ મેળવી હતી. મેચમાં અશ્વિને કુલ 10 વિકેટ મેળવી ચે. રવીન્દ્ર જાડેજાએ કુલ 6 વિકેટ લીધી છે. બીજી ઇનિંગમાં મોહમ્મદ શમીએ પણ બે વિકેટ લીધી.

પાંચમાદિવસે અણનમ બેટ્સમેન લ્યૂક રોન્ચી અને મિચેલ સેન્ટનરે 4  વિકેટ પર 93 રનથી આગળ રમવાનું શરૂ કર્યું હતું. બન્નેએ 102 રનની ભાગીદારી નોંધાવી હતી અને ટીમને મજબૂત ટેકો આપવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ લ્યૂક રોન્ચી 120 બોલમાં 80 રન પર પાંચમી વિકેટ તરીકે પોતાની વિકેટ ગુમાવી હતી. રવીન્દ્ર જાડેજાએ તેમને આઉટ કર્યા હતા. ત્યાર બાદ મોહમ્મદ શામીએ કીવિયોની બે વિકેટ ઝડપી જેના કારણે કિવીની જીતવાની સંભાવના નહિવત રહી ગઈ હતી. શમીએ બેજે વોટલિંગ (8) અને માર્ક ક્રેગ (1)ની વિકેટ લીધી હતી. જ્યારે આખરી બે વિકેટ અશ્વિને ઝડપી હતી.