IND vs NZ Hockey Match: અત્યારે ભારતમાં ઓડિશામાં 15મો હૉકી વર્લ્ડકપ રમાઇ રહ્યો છે, આ 15મી એડિશનમાં આજે ભારતીય ટીમ માટે મોટી અને કરો યા મરો મેચ રમાશે, જોકે, આ પહેલા ટીમ ઇન્ડિયાના ફેન્સ માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. હૉકી વર્લ્ડકપમાં ભારતીય ટીમ (Indian Hockey Team) ને મોટો ઝટકો લાગ્યો છે. ટીમના મુખ્ય ખેલાડી હાર્દિક સિંહ (Hardik Singh) હેમસ્ટ્રીંગ ઇન્જરીના કારણે આખા હૉકી વર્લ્ડકપમાંથી બહાર થઇ ગયો છે. ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ક્રૉસઓવર મેચના એક દિવસ પહેલા જ તે ટીમમાંથી દુર થઇ ગયો છે. હાર્દિક સિંહની જગ્યાએ રાજકુમાર પાલને સ્ક્વૉડમાં સામેલ કરવામાં આવ્યો છે. 


ચીફ કૉચ ગ્રાહમ રીડે કહ્યું કે, ગઇ રાત્રે અમે રવિવારે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ રમાનારી મેચ પહેલા હાર્દિક સિંહને રિપ્લેસ કરવાનો એક મોટો ફેંસલો કર્યો છે. શરૂઆતમાં તેની ઇજા આટલી ગંભીર નહતી લાગી રહી, પરંતુ આના પર વિચાર વિમર્શ કર્યા બાદ આ ફેંસલો લેવામા આવ્યો છે, હાર્દિક સિંહની જે અંદાજમાં શરૂઆતી બે મેચોમાં લાજવાબ પ્રદર્શન કરી રહ્યો હતો, તેને જોતા આ તેના માટે ખુબ નિરાશાજનક વાત છે.


ઇંગ્લેન્ડ વિરુદ્ધ મેચમાં થઇ હતી ઇજા - 
હાર્દિક સિંહને 15 જાન્યુઆરીએ રમાયેલી ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ મેચ દરમિયાન ઇજા પહોંચી હતી. આ પછી તેને વેલ્સ વિરુદ્ધ મેચમાં આરામ આપવામાં આવ્યો હતો. શરૂઆતમાં આશા હતી કે આ ઇજા આટલી ગંભીર નથી, પરંતુ બાદમાં ટીમ મેનેજેમેન્ટે તેને રિપ્લેસ કરવાનો ફેંસલો કરવો પડ્યો.