નવી દિલ્હીઃ ક્રિકેટ વર્લ્ડ કપ 2019 શરૂ થતા પહેલા તમામ દિગ્ગજ ખેલાડીઓ પોત પોતાનો મત વ્યક્ત કરવાની સાથે સાથે ભવિષ્યવાણી કરવામાં લાગી ગયા છે. કોણ ખિતાબ જીતશે, કોણ સ્ટાર બનશે, આવા અનેક સવાલ ચર્ચાનો વિષય બન્યા છે. તમામ દેશ એક એક કરીને પોતાની વર્લ્ડ ટીમની જાહેરાત કરી રહ્યા છે. ત્યારે ભારતીય ક્રિકેટ ટીમના કોચ રવિ શાસ્ત્રીએ પણ પોતાની વાત સામે રાખી છે. સામાન્ય રીતે આટીલ મોટી ટૂર્નામેન્ટમાં ઉતરતા પહેલા કોઈપણ કોચ પોતાની જ ટીમને જીતનું પ્રબળ દાવેદાર બનતું હોય છે પરંતુ રવિ શાસ્ત્રીએ પોતાના એક હાલના ઇન્ટરવ્યૂમાં કોઈ અન્ય દેશને પ્રબળ દાવેદાર જાહેર કર્યો છે.



રવિ શાસ્ત્રીએ ઇંગ્લેન્ડને વર્લ્ડ કપ જીતવાનું પ્રબળ દાવેદાર ગણાવ્યું છે. તેમણે કહ્યું કે, “ઇંગ્લેન્ડ છેલ્લા 2 વર્ષથી શાનદાર પ્રદર્શન કરી રહ્યું છે. તેમની પાસે ઘણા પ્રતિભાશાળી ખેલાડીઓ છે. તેમની બેટિંગ અને બૉલિંગમાં ધાર છે. ઘરેલૂ મેદાન પર રમતા હોવાના કારણે તેઓ પ્રમુખ દાવેદાર છે.” શાસ્ત્રીએ સાથે સાથે કહ્યું કે, “ઘણી એવી ટીમો છે જે કોઇપણ દિવસે કોઇપણને હરાવી શકે છે. વિશ્વ કપ જેવી ટૂર્નામેન્ટમાં તમારે દરેક મેચમાં તમારી શ્રેષ્ટ રમત રમવી પડશે.”