કોલકાતા: આશરે 51 વર્ષ સુધી ભારતીય ફુટબોલની સેવા કરનારા મહાન ફુટબોલર પી કે બેનર્જીનું શુક્રવારે લાંબી બીમારી બાદ નિધન થયું છે. તેઓ 83 વર્ષના હતા. બેનર્જીના પરિવારમાં તેમની દિકરી પાઉલા અને પૂર્ણા છે. તેમના નાના ભાઈ પ્રસૂન બેનર્જી તૃણમૂલ કૉંગ્રેસના સાંસદ છે.

એશિયન ગેમ્સ 1962ના સ્વર્ણ પદક વિજેતા બેનર્જી બારતીય ફુટબોલના સ્વર્ણિમ દૌરના સાક્ષી રહ્યા છે. તેઓ છેલ્લા ઘણા સમયથી નિમોનિયાના કારણે શ્વાસની બીમારીથી પીડિત હતા. તેમના ઘણા અંગોએ કામ કરવાનું બંધ કરતા તેમને લાઈફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા હતા. જોકે શુક્રવારે બપોરે 12:30 વાગે તેમણે છેલ્લો શ્વાસ લીધો હતો. ઇન્ટરનેશનલ ફૂટબોલ એસોસિયેશને તેમને 20મી સદીમાં ભારતના સૌથી મહાન ફૂટબોલ ખેલાડી જાહેર કર્યા હતા. ફિફાએ 2004માં તેમને ઓર્ડર ઓફ મેરિટ આપ્યો હતો.

23 જૂન 1936ના રોજ જલપાઇગુરીમાં જન્મેલા બેનર્જી ભાગલા બાદ જમશેદપુર આવ્યા હતા. તેમણે અહીંથી ફૂટબોલ રમવાનું શરૂ કર્યું. બેનર્જીએ ભારત માટે 84 મેચમાં 65 ગોલ કર્યા હતા. તેમણે 1960ના રોમ ઓલિમ્પિક્માં ભારતનું નેતૃત્વ કર્યું હતું. ત્યારે ફ્રાન્સ સામે 1-1થી ડ્રો રહેલી મેચમાં તેમણે ભારત માટે બરાબરી કરી હતી.

તેઓ 1956માં મેલબોર્નમાં ઓલિમ્પિક રમનાર ભારતીય ટીમના સદસ્ય હતા. ત્યારે ભારતે ઓસ્ટ્રેલિયાને 4-1થી હરાવ્યું હતું અને ટૂર્નામેન્ટમાં ચોથા સ્થાને રહ્યું હતું.