નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના ઓપનિંગ બેટ્સમેન અને ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ફ્રેન્ચાઈઝી ટીમ મુંબઈ ઈન્ડિયન્સના કેપર્ટન રોહિત શર્માએ તેના પસંદગીના કોચનું નામ જણાવ્યું છે. તેણે શાસ્ત્રી નહીં પણ ઓસ્ટ્રેલિયાનો પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગ તેની પસંદગીનો કોચ હોવાનું કહ્યું હતું. રોહિત શર્મા પોન્ટિંગની કેપ્ટનશિપમાં રમી ચુક્યો છે.
2013માં રિકી પોન્ટિંગે અચાનક મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશિપ છોડી દીધી હતી. સીઝન વચ્ચેથી પોન્ટિંગે કેપ્ટનશિપ છોડતાં રોહિત શર્માને સુકાની પદ સોંપાયું હતું. રોહિતે પીટરસન સાથે લાઇવ ચેટ દરમિયાન કહ્યુ, રિકી પોન્ટિંગ મેજિક છે. જ્યારે તે કેપ્ટન હતા અને જે રીતે તેમણે ટીમને હેન્ડલ કરી હતી અને મને સુકાની પદ સોંપ્યું હતું તે માટે ખૂબ હિંમત જોઈએ.
આ પછી પણ જે રીતે ટીમના સપોર્ટ સ્ટાફ સાથે જોડાયેલા રહ્યા અને યુવા ક્રિકેટરો તથા મને પ્રેરિત કરતા રહ્યા તે શાનદાર હતું. હું તેમની પાસેથી ઘણું શીખ્યો છું. તે અલગ પ્રકારના વ્યક્તિ છે.
આઈપીએલમાં સાત વર્ષમાં રોહિત શર્માની કેપ્ટનશિપમાં મુંબઈ ઈન્ડિયન્સે ચાર ખિતાબ જીત્યા છે. રોહિતે આઈપીએલની 188 મેચમાં 4898 રન બનાવ્યા છે.