નવી દિલ્હીઃ કોરોના વાયરસના કારણે ક્રિકેટ પણ પ્રભાવિત થયું છે. ક્રિકેટના મહાકુંભ ગણાતી ઈન્ડિયન પ્રીમિયર લીગની સીઝન 13ને મહામારીના કારણે અનિશ્ચિતકાળ સુધી ટાળી દેવામાં આવી છે. પરંતુ ક્રિકેટ ફેન્સ આતુરતાથી આઈપીએલની વાપસીની રાહ જોઈ રહ્યા છે.

ભારતની લીડિંગ ફેંટેસી સ્પોર્ટ્સ પ્લેટફોર્મ માય ટીમ 11એ આશરે 10,000 લોકો પર સર્વે કર્યો હતો. જેમાં જાણવા મળ્યું કે, 60 ટકા ભારતીય ફેન્સના કહેવા પ્રમાણે હજુ પણ ચાલુ વર્ષે આઈપીએલનું આયોજન શક્ય છે. જ્યારે 40 ટકા લોકોએ આઈપીએલનું આયોજન મુશ્કેલ હોવાનું જણાવ્યું હતું.

સર્વેમાં એવું પણ સામે આવ્યું છે કે આશરે 40 ટકા લોકો કોરોના વાયરસના ડરથી 2021 પહેલા સ્ટેડિયમમાં જવા નથી માંગતા. લોકો હજુ પણ તેમના ગેજેટ્સ કે ટીવી સેટ્સ પર જ સ્પોર્ટ્સનો આનંદ લેવા માંગે છે.

બીસીસીઆઈ આર્થિક નુકસાનને જોતા ચાલુ વર્ષે સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં આઈપીએલના આયોજન પર વિચારણા કરી રહી છે. જો આઈસીસી ટી20 વર્લ્ડકપ કેન્સલ થાય તો જ આ શક્ય છે.