નવી દિલ્હીઃ ભારતીય મહિલા ક્રિકેટર અને ટીમની કેપ્ટન મિતાલી રાજ ક્રિકેટની દુનિયામાં એક ખાસ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. બુધવારે આફ્રિકા વિરુદ્ધ રમાયેલી મેચમાં આ કિર્તિમાન રચ્યો છે. વનડે સીરીઝની પહેલી મેચ રમતાં જ મિતાલીએ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પોતાના 20 વર્ષ પુરા કરી લીધા છે. આમ કરનારી મિતાલી રાજ પહેલી મહિલા ક્રિકેટર બની ગઇ છે.

મિતાલી રાજે બુધવારે વનડે રમીને પોતાની ક્રિકેટર કેરિયરના 20 વર્ષ પુરા કરી લીધા, મિતાલી સચીન તેંદુલકર બાદ આટલી લાંબી ક્રિકેટ કેરિયર પુરી કરનારી ભારતની બીજી ક્રિકેટર બની ગઇ છે. સાથે આમ કરનારી દુનિયાની એકમાત્ર મહિલા ક્રિકેટર બની ગઇ છે, આ મામલે મહિલા ક્રિકેટરમાં મિતાલી રાજની આગળ પાછળ કોઇ નથી.



મિતાલીએ 26 જૂન, 1999માં ભારત તરફથી ક્રિકેટ રમવાનુ શરૂ કર્યુ હતુ, ત્યારે તેને પહેલી વનડે ઇન્ટરનેશનલ મેચ રમી હતી. મિતાલી રાજના નામે હાલ 203 વનડેમાં 6720 રન છે. એટલુ જ નહીં મિતાલી રાજ 6 હજાર રન પુરા કરનારી પહેલી મહિલા ક્રિકેટર પણ છે. મિતાલીના નામે વનડેમાં 7 સદી પણ નોંધાયેલી છે.