વિશાખાપટ્ટનમઃ  ભારતે પ્રથમ ટી20 મેચ જીતવા આપેલો 127 રનનો લક્ષ્યાંક ઓસ્ટ્રેલિયાએ ઓવરમાં 20મી ઓવરના છેલ્લા બોલ પર હાંસલ કરી લીધો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી ગ્લેન મેક્સવેલે સર્વાધિક 56 રન ફટકાર્યા હતા. તેણે ત્રીજી વિકેટ માટે શોર્ટ સાથે 84 રનની ભાગીદારી કરી પ્રવાસી ટીમની જીત નિશ્ચિત કરી હતી. બુમરાહે 4 ઓવરના સ્પેલમાં 3 વિકેટ લીધી હતી. બે મેચની સીરિઝમાં ઓસ્ટ્રેલિયા 1-0ની આગળ થઈ ગયું છે. બીજી અને અંતિમ ટી-20 બુધવારે બેંગલુરુમાં રમાશે.


ટોસ હાર્યું ભારત

ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ T20માં  ટોસ હાર્યા બાદ પહેલા બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે 20 ઓવરમાં 7 વિકેટના નુકસાન પર 126 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયા તરફથી લોકેશ રાહુલે સર્વાધિક 50 રન બનાવ્યા હતા. ધોની 29 રન બનાવી અણનમ રહ્યો હતો. જોકે આ માટે તેણે 37 બોલ લીધા હતા.

ટીમ ઈન્ડિયાનો મીની ધબડકો

8.3 ઓવરમાં ભારતનો સ્કોર 1 વિકેટના નુકસાન પર 69 રન હતો તે 15 ઓવર સુધીમાં 6 વિકેટના નુકસાન પર 100 રન થઈ ગયો હતો. મિડલ ઓર્ડરમાં રિષભ પંત, દિનેશ કાર્તિક, કૃણાલ પંડ્યા નિષ્ફળ રહ્યા હતા.


ભારતીય ટીમમાં મયંક માર્કંડેયે ડેબ્યૂ કર્યું હતું. શિખર ધવનને ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી.

ભારતની ટીમ આ પ્રમાણે છેઃ વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઇસ કેપ્ટન), લોકેશ રાહુલ, રિષભ પંત, દિનેશ કાર્તિક, મહેન્દ્ર સિંહ ધોની (વિકેટકિપર), કૃણાલ પંડ્યા,  યુઝવેન્દ્ર ચહલ, જસપ્રીત બુમરાહ, ઉમેશ યાદવ અને મયંક માર્કંડેય

વાંચોઃ પ્રથમ T20માં ટીમ ઈન્ડિયા કેમ હાથ પર કાળી પટ્ટી બાંધીને ઉતરી, જાણો વિગત