મયંક અગ્રવાલે જબરજસ્ત બેટિંગ કરતા પોતાના કેરિયરની પ્રથમ બેવડી સદી નોંધાવી હતી. મંયકે 215 રન બનાવી આઉટ થયો હતો. આ સાથે જ પૂર્વ ભારતીય ઓપનર સેહવાગના રેકોર્ડની બરાબરી કરી હતી. તે દેશનો માત્ર બીજો બેટ્સમેન છે જેણે દક્ષિણ આફ્રિકા સામે બેવડી સદી ફટકારી હતી.
આ પહેલા વિસ્ફટક બેટ્સમેન સેહવાગે દક્ષિણ આફ્રિકા સામે ડબલ સેન્ચૂરી મારી હતી. જો કે સેહવાગે પોતાની બેવડી સદીને ત્રેવડી સદીમાં ફરેવી દીધી હતી. સેહવાગે 2008માં ચેન્નઈમાં આ કારનામું કર્યું હતું. તેણે ત્યારે 319 રન બનાવ્યા હતા. જે તેમનો સર્વોચ્ચ સ્કોર છે.
પ્રથમ ટેસ્ટના બીજા દિવસે બન્ને સત્ર મયંક અગ્રવાલના નામે રહ્યા, પ્રથમ સેશનમાં પોતાની સદી પૂરી કરી અને બીજા સેસનમાં એ સદીને બેવડી સદીમાં ફેરવી દીધી હતી. આ રીતે મયંક અગ્રવાલ ટીમ ઈન્ડિયા માટે 10 વર્ષ બાદ બેવડી સદી નોંધાવનાર સલામી બેટ્સમેન બની ગયો છે. 2009માં સેહવાગે શ્રીલંકા સામે 293 રન બનાવ્યા હતા.
બેવડી સદી નોંધાવનાર મયંક ચોથો ભારતીય બેટ્સમેન બની ગયો છે. જેણે પોતાની પ્રથમ ટેસ્ટ સદીને બેવડી સદીમાં ફેરવી દીધી. આ પહેલા દિગ્ગજ બેટ્સમેન દિલિપ સરદેસાઈ ન્યૂઝિલેન્ડ સામે (1965), વિનોદ કાંબલી(1993) અને કરૂણ નાયર (2016) આ કારનામું કરી ચુક્યા છે. કરૂણ નાયરે 303 રનોની ઇનિંગ રમી હતી.