નવી દિલ્હીઃ ભારતે શ્રીલંકા સામે  બીજી ટી20 મેચમાં સાત વિકેટે જીત મેળવી હતી. આ જીતમાં ફાસ્ટ બોલર નવદીપ સૈની અને શાર્દુલ ઠાકુરની જોડીએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. આ બન્ને ફાસ્ટ બોલરોએ મળીને કુલ પાંચ વિકેટ લીધી હતી. નવદીપ સૈનીએ ઇન્દોરમાં રમાયેલ મેચમાં ચાર ઓવરના સ્પેલમાં માત્ર 18 રન આપીને બે વિકેટ ઝડપી હતી. તેને મેન ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યા હતા. જ્યારે શાર્દુલ ઠાકુરે 23 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી.

મેચ બાદ નવદીપ સૈની અને શાર્દુલ ઠાકુરે યુઝવેન્દ્ર ચહલને આપેલા ઇન્ટરવ્યૂમાં પોતાના પ્રદર્શન અંગે વાત કરી. નવદીપે ઇનિંગના 8માં ઓવરમાં એક શાનદાર યોર્કર બોલ ફેંક્યો હતો. આ યોર્કર કરી તેને શ્રીલંકાના બેટ્સમેન દાનુષ્કા ગુણાતિલકાને પેવેલિયન ભેગો કર્યો હતો. આ બોલની સ્પીડ 148 કિમી/કલાક હતી. સૈનીએ કહ્યું કે તેને યોર્કર નાખવાની કળા ટીમ ઇન્ડિયાના ઝડપી બોલર જસપ્રિત બુમરાહ પાસેથી શીખી છે.

નવદીપ સૈનીએ કહ્યું કે,‘મે મેચમાં સારા યોર્કર બોલ નાખ્યા. હું જ્યારે પણ બુમરાહને યોર્કર અંગે વાત કરતો તેઓ ખૂબ જ સટીકતા સાથે મારી સાથે વાત કરતા અને શીખડાવતા.’ આ મેચમાં સૌથી ઝડપી બોલ નવદીપ સૈનીએ ફેંક્યો હતો. તેને 151 કિમી/કલાકની ઝડપથી બોલ ફેંક્યો હતો. આપને જણાવી દઈએ કે નવદીપ આઇપીએલમાં વિરાટ કોહલીની ટીમ આરસીબી તરફથી રમે છે.