નવી દિલ્હીઃ દક્ષિણ આફ્રિકા સામેની સિરીઝના ત્રીજા અને અંતિમ ટેસ્ટ મેચ પહેલા ટીમ ઈન્ડિયાને આંચકો લાગ્યો હતો. 'ચાઇનામેન' કુલદીપ યાદવ અનફીટ બની ગયો છે. BCCIની અખિલ ભારતીય પસંદગી સમિતિએ શનિવારથી રાંચીમાં સાઉથ આફ્રિકા સાથેની ત્રીજી ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમમાં ડાબોડી સ્પિનર શાહબાઝ નદીમનો સમાવેશ કર્યો છે.


ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે 3 ટેસ્ટ મેચની અંતિમ મેચ શનિવારે રાંચીના જેએસસીએ સ્ટેડિયમ ખાતે રમાશે. વિરાટ કોહલીની કેપ્ટનશિપ હેઠળ ટીમ ઇન્ડિયા શાનદાર પ્રદર્શન કરી રહી છે. ટીમ ઇન્ડિયાએ આ સિરીઝમાં 2-0થી લીડ લઈ સિરીઝને પહેલાથી જ પોતાના નામે કરી છે.



શુક્રવારે 30 વર્ષીય ઝારખંડના નદીમને ટીમમાં શામેલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો કારણ કે શુક્રવારે કુલદીપ યાદવને તેના ડાબા ખભામાં દુ:ખાવો થવાની ફરિયાદ હતી. શાહબાઝ નદીમે 110 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 424 વિકેટ ઝડપી છે.

નોંધનીય છે કે, નદીમ ઘણા વર્ષોથી સ્થાનિક ક્રિકેટમાં સારું પ્રદર્શન કરી રહ્યો છે. રણજી સિઝનમાં બે વાર 50થી વધુ વિકેટ લેવાનું તેણે ગૌરવ પ્રાપ્ત કર્યું છે. નોંધનીય છે કે, નદીમને ગતવર્ષે વેસ્ટ ઇંન્ડિઝના પ્રવાસ દરમિયાન ટી-20 સ્કોવ્ડમાં સામેલ કર્યો હતો, પરંતુ તેને અંતિમ-11 માં તક મળી શકી નહીં.