નવી દિલ્હીઃ મહેન્દ્રસિંહ ધોની ક્યારે નિવૃત્તિ લેશે તેનો જવાબ હજુ સુધી મળ્યો નથી પણ હવે આ ચેમ્પિયન ખેલાડી વિશે એવા સમાચાર આવી રહ્યા છે જે તેના પ્રશંસકોને નિરાશ કરી દેશે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે એમએસ ધોનીની હવે ટીમ ઇન્ડિયામાં પસંદગી થશે નહીં. હવે પસંદગીકારોએ ધોની કરતા આગળ જોવાનું શરુ કરી દીધું છે. તેના સ્થાને હવે યુવા વિકેટકીપરને સ્થાન આપવામાં આવશે. આ વાત ટીમ ઇન્ડિયાના પસંદગીકારો બીસીસીઆઈના નવા ચીફ સૌરવ ગાંગુલીને જણાવવાના છે.


સૂત્રોના જણાવ્યા પ્રમાણે 24મી ઓક્ટોબરે મુંબઈમાં બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલી અને પસંદગીકારો વચ્ચે બેઠક થવાની છે. જેમાં ધોનીને ટીમમાં સામેલ કરવો કે નહીં તે વિશે ચર્ચા કરવામાં આવશે.



જ્યારે મીડિયા રિપોર્ટ મુજબ આગામી મહિને બાંગ્લાદેશ વિરુદ્ધ ટી20 સિરીઝ માટે ધોની ઉપલબ્ધ રહેશે તો પણ તેને ટીમમાં સામેલ ન પણ કરવામાં આવે. કારણે કે ટીમ મેનેજમેન્ટની નજર આગામી વર્ષે ઓસ્ટ્રેલિયામાં થનારા ટી20 વર્લ્ડ કપ માટે નવા ખેલાડીઓની શોધ પર છે. જોકે આ પહેલા સૌરવ ગાંગુલીએ એમ પણ કહ્યું હતું કે તે એમ.એસ.ધોનીને મળશે અને આ વિશે ચર્ચા કરશે અને પસંદગીકારો સાથે પણ બેઠક કરશે અને ત્યાર બાદ યોગ્ય નિર્ણય લેવામાં આવશે.

એમએસ ધોની વર્લ્ડ કપ પછી એકપણ મેચ રમ્યો નથી. ધોની વર્લ્ડ કપ પછી વેસ્ટ ઇન્ડીઝના પ્રવાસે ગયો નથી અને આ પછી દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણીમાંથી પણ પોતાનું નામ પાછું ખેચી લીધું છે. જોકે તેણે અત્યાર સુધી નિવૃત્તિના મુદ્દે કોઈ વાત કરી નથી.