નવી દિલ્હીઃ ત્રણ વખતની આઈપીએલ ચેમ્પિયન ટીમ ચેન્નઈ સુપરકિંગ્સને સીઝન-12માં મોટો ઝાટકો લાગ્યો છે. ટીમના સ્ટાર ઓલરાઉન્ડર ડ્વેન બ્રાવો ઈજાગ્રસ્ત થવાને કારણે બે સપ્તાહ માટે ટૂર્નામેન્ટથી બહાર થઈ ગયા છે.

બ્રાવોના સ્નાયુઓ ખેંચાવાની ફરિયાદ હતી. ટીમના બેટિંગ કોચ માઈક હસીએ શુક્રવારે આ જાણકારી આપી. ચેન્નઈની ટીમ શનિવારે કિંગ્સ ઇલેવન પંજાબ વિરૂદ્ધ પોતાનો પાંચમી મેચ રમશે.



વેસ્ટઇન્ડીઝના ક્રિકેટર બ્રાવો મુંબઈ ઇન્ડિયન્સ વિરૂદ્ધ બુધવારે રમાયેલ મેચ દરમિયાન ઇજાગ્રસ્ત થયા હતા. તે હાલની ચેમ્પિયન ટીમના મહત્ત્વના ખેલાડી છે.

હસીએ કહ્યું કે, હું પુષ્ટિ કરું છું કે તેના સ્નાયુઓ ખેંચાઈ ગયા છે અને તે બે સપ્તાહ સુધી ટીમમાંથી બહાર રહેશે. આ મોટું નુકસાન છે. તેની હાજરીથી ટીમમાં સંતુલિત રહે છે અને તે સારા ખેલાડી છે માટે ટીમમાં કેટલાક ફેરફાર કરવા પડશે, પરંતુ મને વિશ્વાસ છે કે, તેમ છતાં ણને મજબૂત ટીમ ઉતારવામાં સફળ રહીશું.

આઈપીએલ-12માં બ્રાવોએ કુલ ચાર મેચ રમ્યા છે જેમાં તેણે બેટિંગમાં 37 રન બનાવવાની સાથે બોલિંગમાં 7 વિકેટ પણ ઝડપી છે.