નવી દિલ્હી: રાજસ્થાન સામે દિલ્હી ડેરડેવિલ્સનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું. વરસાદને કારણે મેચ રોકાઇ ત્યારે દિલ્હીએ 17.1 ઓવરમાં છ વિકેટના નુકસાન પર 196 રન બનાવી લીધા હતા. આ અગાઉ વરસાદને કારણે મેચ મોડી શરૂ થઇ હતી અને મેચને 18 ઓવરની કરવામાં આવી હતી. આઇપીએલમાં ખરાબ પ્રદર્શન કરનારી દિલ્હીનું આજે સારુ પ્રદર્શન રહ્યું હતું. દિલ્હી તરફથી પૃથ્વી શો (47),શ્રેયસ ઐય્યર (50) અને ઋષભ પંત (69) રન ફટકાર્યા હતા.
દિલ્હીની શરૂઆત ખરાબ રહી હતી. ઇનિંગની પ્રથમ ઓવરના ચોથા બોલ પર રાજસ્થાનના બોલર ધવલ કુલકર્ણીએ દિલ્હીના બેટ્સમેન કોલિન મુનરોને પેવેલિયન ભેગો કર્યો હતો. મુનરો શૂન્ય રન પર આઉટ થયો હતો. આ અગાઉ રાજસ્થાને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
આઠ મેચોમાંથી છ મેચ હારીને ટૂર્નામેન્ટમાંથી બહાર ફેકાઈ જવાની સ્થિતિમાં છે. દિલ્હી ડેરડેવિલ્સ માટે દરેક મેચ ‘કરો યા મરો’જેવી છે. ગૌતમ ગંભીરની કેપ્ટનશિપ છોડ્યા બાદ શ્રેયસ અય્યરે દિલ્હીની કમાન સંભાળી છે.દિલ્હીનો કેપ્ટન બદલ્યા બાદ પણ 8 મેચ બાદ માત્ર 4 પોઈન્ટ્સ જ આવ્યાં છે. એવામાં દિલ્હીને પ્લે ઓફમાં પહોંચવા માટે હવે બાકીની 6 મેચો જીતવુંજ પડશે.