મુંબઇઃ ઓપનિંગ બેટ્સમેન જોસ બટલરની  અણનમ 94 રનની ઇનિંગની મદદથી રાજસ્થાન રોયલ્સે મુંબઇ ઇન્ડિયન્સને સાત વિકેટે હાર આપી હતી. મુંબઇએ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં  6 વિકેટના નુકસાન પર 168 રન બનાવ્યા હતા જેના જવાબમાં રાજસ્થાન રોયલ્સે 18 ઓવરમાં ત્રણ વિકેટના નુકસાન  પર 171 રન ફટકારી વિજય મેળવ્યો હતો. રાજસ્થાને જીત સાથે પ્લે ઓફમાં પહોંચવાની આશા જીવંત રાખી હતી. બટલને શાનદાર બેટિંગ બદલ મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.

અગાઉ રાજસ્થાને ટોસ જીતને મુંબઇને બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. મુંબઇ તરફથી ઇવિન લૂઇસ અને સૂર્યકુમારે પ્રથમ વિકેટ માટે 87 રન બનાવ્યા હતા. સૂર્યકુમાર યાદવ 38, લૂઇસ 60, હાર્દિક પંડ્યા 36 રન ફટકાર્યા હતા. આજે ફરીવાર રોહિત શર્મા ખાતુ ખોલાવી શક્યો નહોતો અને પ્રથમ બોલ પર જ આઉટ થયો હતો.

169 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી રાજસ્થાનની શરૂઆત ખરાબ રહી હતી. પ્રથમ ઓવરમાં જ ડાર્સી  શોર્ટ ચાર રન પર આઉટ થયો હતો. જોકે, બાદમાં બટલર અને રહાણેએ ટીમને સંભાળી હતી. રહાણેએ 37 રન અને સંજુ સેમસને 26 રન ફટકાર્યા હતા. મુંબઇ તરફથી હાર્દિક પંડ્યા બે અને બુમરાહે એક વિકેટ લીધી હતી.