નવી દિલ્હીઃ કોલકત્તા નાઇટ રાઇડર્સના વિસ્ફોટક બેટ્સમેન આંદ્રે રસેલે ટીમની સતત થઇ રહેલી હારને કારણે સવાલ ઉઠાવ્યા છે. રસેલે કેકેઆર ટીમના ખરાબ પ્રદર્શન માટે ટીમ દ્ધારા લેવામાં આવેલા ખરાબ નિર્ણયને જવાબદાર ગણાવ્યા હતા. રસેલનું કહેવું છે કે આઇપીએલની 12મી સીઝનમાં કેટલાક ખોટા નિર્ણયો ટીમને મોંઘા પડી રહ્યા છે. કેકેઆર સતત છ મેચ હારી ગઇ છે.

આ સીઝનમા 10 મેચમાંથી અત્યાર સુધીમાં 406 રન બનાવી ચૂકેલા રસેલે કહ્યું કે, અમે ખોટા નિર્ણયો લઇ રહ્યા છીએ. જો અમે આગળ પણ ખોટા નિર્ણયો લઇશું તો અમે હંમેશા હારતા રહીશું અને અમે એ જ કરી રહ્યા છીએ. હું એવી કેટલીક મેચની માહિતી આપી શકું છું જેમાં અમારે યોગ્ય બોલિંગ કરવાની જરૂર છે.

કોલકત્તા નાઇટ રાઇડર્સને સૌથી ખરાબ ફિલ્ડિંગ કરનારી ટીમ ગણાવતા રસેલે કહ્યું કે, બેટિંગ આ ટીમની સમસ્યા નથી. વાસ્તવમાં અમારી બેટિંગ સંઘર્ષ કરી રહી નથી. અમે એવા કેટલાક સ્કોર બનાવ્યા હતા જેનો અમારે બચાવ કરવો જોઇતો હતો.

આ અગાઉ રસેલે ચોથા નંબર પર બેટિંગ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. મારી કોચ સાથે વાતચીત થઇ છે. જ્યારે પણ ટીમને મારી જરૂર હશે ત્યારે તે મારુ સમર્થન કરે છે. તેઓ હવે મને એક ફ્લોટરના રૂપમાં જોવે છે. જો મારે ત્રીજા કે ચોથા નંબર પર બેટિંગ કરવાની જરૂર પડશે તો એ મારુ કામ હશે.