નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રિમિયર લીગની 12મી સીઝનમાં દિલ્હી કેપિટલ્સે પોતાની પ્રથમ મેચમાં મુંબઇ ઇન્ડિયન્સને 37 રને હાર આપી હતી. દિલ્હીએ પ્રથમ બેટિંગ કરતા વિકેટકીપર ઋષભ પંતના આક્રમક અણનમ 78 રનની મદદથી છ વિકેટના નુકસાન પર 213 રન બનાવ્યા હતા. જેના જવાબમાં મુંબઇ ઇન્ડિયન્સ 19.2 ઓવરમાં 176 રન જ બનાવી શકી હતી. મુંબઇ તરફથી યુવરાજસિંહે 35 બોલમાં 53 રનની ઇનિંગ રમી હતી.


214 રનના લક્ષ્યાંકનો સામનો કરવા ઉતરેલી મુંબઇની શરૂઆત ખરાબ રહી હતી. તેણે 50 રનમાં જ ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. ડિકોક 27, રોહિત શર્મા 14, સૂર્યકુમાર યાદવ 2 રન બનાવી શક્યા હતા. બાદમાં પોલાર્ડ અને યુવરાજ સિંહે સ્થિતિ સંભાળવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પોલાર્ડ પણ કોઇ કમાલ કરી શક્યો નહોતો અને 21 રન પર આઉટ થયો હતો. બાદમાં હાર્દિક પંડ્યા પણ ખાતુ ખોલાવ્યા વિના પેવેલિયન ભેગો થઇ ગયો હતો. જોકે, અંતમાં કૃણાલ પંડ્યાએ 15 બોલમાં 32 રનની ઇનિંગ રમી મુંબઇની જીતની આશા જગાવી હતી. આ અગાઉ રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. દિલ્હી તરફથી શ્રેયસ ઐય્યરે 16 રન ફટકાર્યા હતા. તે સિવાય ધવન 43, ઇન્ગ્રામે 47 અને પંતે અણનમ 78 રન ફટકાર્યા હતા.