નવી દિલ્હીઃ ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની વિકેટની પાછળ વીજળી ગતીએ સ્ટમ્પિંગ માટે જાણીતા છે. ઘણી વખત એવુ બન્યું છે કે તેણે શાનદાર સ્ટમ્પિંગ કર્યું હોય. સ્ટમ્પની પાછળ તે એટલા ઝડપી છે કે બેટ્સમેનની સાથે સાથે મેદાન અને સ્ટેડિયમમાં હાજર તમામ લોકો તેની સ્ફુર્તીને જોઈને આશ્ચર્યચકીત થઈ જાય છે. ધોનીએ પેતાની આ ઝડપી સ્ટમ્પિંગનું સિક્રેટ જાહેર કર્યું છે.



પોતાની વિકેટકીપિંગનું સિક્રેટ શેર કરતા ઘોનીએ જણાવ્યું હતું કે તેણે આ કૌશલ્ય ટેનિસ બોલમાંથી શીખ્યું છે. પોતાની વીજળીની ઝડપ જેવી સ્ટમ્પિંગ વિશે વાત કરતા ધોનીએ કહ્યું, મને લાગે છે કે આ વસ્તુ ટેનિસ બોલથી ક્રિકેટ રમવાથી આવી છે. પરંતુ તેમ છતાં તમારે બેઝિક્સની જાણકારી હોવી જરૂરી છે અને તમારે તે સ્તર સુધી પહોંચવું જોઈએ. ધોનીએ કહ્યું કે, મને હજુ પણ લાગે છે કે બેઝિક્સ સૌથી મહત્વપૂર્ણ છે.



ધોનીને જ્યારે તેની ઈનિંગ વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે, બોલિંગ વેરિએશન સમજવા માટે વિકેટ પર ઘણો સમય પસાર કર્યો અને અંતમાં ચેન્નઈ સુપર કિંગ્સને મેચમાં સારા સ્કોર સુધી પહોંચાડી. અંતિમ ઓવર વિશે પૂછવામાં કહ્યું કે, બોલને જુઓ અને પછી હિટ કરો. તમે સમય પસાર કર્યો છે તમે વેરિએશન જાણો છો. જે 10-15 બોલ રમી ચૂક્યા છે, તેમના માટે આ સરળ હોય છે.